
શહેરના સેક્ટર-17માં ધારાસભ્યો માટે બનાવવામાં આવેલા આધુનિક સદસ્ય નિવાસ પરિસરમાં 200 કિલોવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી રહી છે. પૂન: પ્રાપ્ય ઊર્જાના વપરાશને પ્રોત્સાહન આપવા માટે અને સંકૂલના વીજ ખર્ચમાં બચતના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. સદસ્ય નિવાસ સંકુલમાં સોલાર રૂફટોપથી દર મહિને 12 હજાર યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે.
હાલ આ પ્રોજેક્ટ હેઠળ સોલાર પેનલ્સ લગાવવાની કામગીરી ચાલી રહી છે. જે માર્ચ મહિના સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ સમગ્ર સંકુલ 28,576 ચોરસમીટરમાં તૈયાર કરવામાં આવ્યું છે અને 325 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા છે. ધારાસભ્યોને 3 બેડરૂમ, લિવિંગ, ઓફિસ રૂમ, કિચન અને સર્વન્ટ રૂમ સાથેનો ફ્લેટ ઉપરાંત આધુનિક ફર્નિચરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
ગત નવેમ્બર મહિનામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સંકુલમાં વિશાળ ગાર્ડન, ૩૦૦ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ, સ્વિમિંગ પૂલ, હાઈ-ટેક જીમ અને ઇન્ડોર સ્પોર્ટ્સ એરિયા પણ છે અન્ય સુવિધાઓમાં કેન્ટીન, તબીબી સારવાર માટે દવાખાનું અને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પ્રોવિઝન સ્ટોરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સોલાર પેનાલ કાર્યરત થવાથી આ સંકુલમાં લિફ્ટ, બોર, સ્ટ્રીટ લાઇટ, જીમ- કેન્ટીનના ઉપકરણો સહિતની સુવિધાના વીજ બિલમાં માતબર ઘટાડો થશે.