
ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના ફાયર બ્રિગેડમાં લાંબા સમયથી ચાલી રહેલી વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી પ્રક્રિયા અટવાઇ છે અને ચીફ ઓફિસરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા છતાં નિમણૂંક થઇ શકે નહીં તેવી સ્થિતિ વચ્ચે જીપીએસસી દ્વારા ફાયર ઓફિસરની બે જગ્યાની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે અને મેરીટ લિસ્ટ સાથે બે ઉમેદવારોની નિમણૂક માટે ભલામણ કરી છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં 108 ફાયરમેન કમ ડ્રાઇવરની ભરતી એક વખત નિષ્ફળ રહ્યા બાદ બીજો પ્રયત્ન ચાલી રહ્યો છે. ચીફ ફાયર ઓફિસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણ ઉમેદવારની પસંદગી યાદી જાહેર કરાઇ હતી પરંતુ એકપણ ઉમેદવાર હાજર થઇ શકે તેવી સ્થિતિ નથી. જેથી હવે ફરીવાર આ ભરતી પ્રક્રિયા શરૂ કરવી પડે તેવા સંજોગો ઉપસ્થિત થયા છે. બીજી તરફ ફાયર ઓફિસરની 2 જગ્યા માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ટૂંક સમયમાં નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જીપીએસસી દ્વારા લેવાયેલી આ ભરતી પરીક્ષા કુલ 65 ઉમેદવારોએ આપી હતી. જેમાંથી કુલ 5 ઉમેદવારો શોર્ટ લિસ્ટ થયા હતા. મેરિટના આધારે જીતેન્દ્ર રાવત અને મેહુલ કાબરિયાના નામની ભલામણ જીપીએસસી દ્વારા કરાઇ છે જ્યારે બે ઉમેદવારો વેઇટીંગમાં રખાયા છે.