જુનાગઢમાં પોલીસની કથિત દાદાગીરી અને વેપારીઓ પરના અત્યાચારનો મામલો ગરમાયો છે. ઈન્ટરનેશનલ મોબાઈલ બિલ વગર વેચતા હોવાની શંકાના આધારે પોલીસે પાંચ વેપારીઓની અટકાયત કરી હતી. આક્ષેપ છે કે, ગત આખી રાત LCB કચેરીમાં રાખીને આ વેપારીઓને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે વેપારીઓએ આક્ષેપ કર્યો કે પોલીસ દ્વારા તેમને ગુપ્તાંગમાં ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવ્યા હતા.
પોલીસના મારને કારણે પાંચ પૈકી ચાર વેપારીઓની હાલત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર શહેરમાં પ્રસરતા તમામ મોબાઈલ વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. આજે એકતાના પ્રતીક રૂપે વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે પોલીસે માત્ર શંકાના આધારે કાયદો હાથમાં લીધો અને વેપારીઓ સાથે અમાનવીય વર્તન કર્યું છે.
ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વેપારીઓએ આ બંને નેતાઓ સામે પોલીસના અત્યાચારની રજૂઆત કરી હતી અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. ધારાસભ્યએ વેપારીઓને આશ્વાસન આપ્યું છે કે આગામી બે દિવસમાં આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.
વેપારીઓ માત્ર આશ્વાસનથી સંતુષ્ટ નથી. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો મંગળવાર સુધીમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શન કે ફરિયાદ જેવી કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો તેઓ આખા શહેરમાં ઉગ્ર આંદોલન છેડશે. વેપારીઓએ જણાવ્યું હતું કે પોલીસ માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક રીતે પણ તેમને હેરાન કરી રહી છે, અને આ મામલે તેઓ કાયદાકીય લડત આપવા પણ મક્કમ છે. હાલમાં જૂનાગઢમાં વાતાવરણ તંગ છે.