વિશ્વ હજુ કોરોનાની અસરમાંથી માંડ બહાર આવ્યું છે ત્યાં ફરી એકવાર જીવલેણ નિપાહ વાયરસ (Nipah Virus) એ એન્ટ્રી કરી લીધી છે. ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં નિપાહ વાયરસના કેસો વધતા ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને કેરળના મલપ્પુરમ જિલ્લામાં સ્થિતિ ગંભીર બનતા વહીવટીતંત્ર દ્વારા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે.
શું છે આ નિપાહ વાયરસ?
નિપાહ એક ઝૂનોટિક વાયરસ છે, જેનો અર્થ છે કે તે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે. નિષ્ણાતોના મતે, આ વાયરસ મૂળભૂત રીતે ચામાચીડિયા (Fruit Bats) દ્વારા ફેલાય છે. જ્યારે માણસો જંગલો તરફ વળ્યા અને પ્રકૃતિ સાથેની છેડછાડ વધી, ત્યારથી આ વાયરસના સંક્રમણની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.
નિપાહ વાયરસના મુખ્ય લક્ષણો
નિપાહ વાયરસના લક્ષણો સામાન્ય રીતે સંક્રમણના 4 થી 14 દિવસમાં દેખાવા લાગે છે. શરૂઆતમાં તીવ્ર તાવ અને અસહ્ય માથાનો દુખાવો. ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ. સ્નાયુઓમાં દુખાવો અને થાક લાગવો. જો ચેપ વધે તો મગજમાં સોજો (Encephalitis) આવી શકે છે, જેનાથી દર્દી કોમામાં જઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે.
ભારતમાં વર્તમાન સ્થિતિ અને WHO ની ચેતવણી
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ નિપાહ વાયરસને અત્યંત ઘાતક અને ગંભીર શ્રેણીમાં મૂક્યો છે. આ વાયરસનો મોર્ટાલિટી રેટ (મૃત્યુ દર) અંદાજે 70% જેટલો ઊંચો છે, જે તેને કોરોના કરતા પણ વધુ ખતરનાક બનાવે છે. કેરળ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ 5 થી વધુ કેસો સામે આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે 100 થી વધુ લોકોને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ભારતમાં આ વાયરસનો પ્રથમ કેસ 2001માં નોંધાયો હતો, જોકે વૈશ્વિક સ્તરે 1998માં મલેશિયામાં તે પ્રથમવાર જોવા મળ્યો હતો.
ગુજરાત માટે રાહતના સમાચાર
અત્યાર સુધીના અહેવાલો મુજબ, ગુજરાતમાં નિપાહ વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
સંક્રમણ કેવી રીતે ફેલાય છે?
- સંક્રમિત ચામાચીડિયા અથવા ભૂંડના સીધા સંપર્કથી.
- ચામાચીડિયાએ ખાધેલા ફળો (જેમ કે ખજૂર, તાડી અથવા એઠા ફળો) ખાવાથી.
- માનવ-થી-માનવ: સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતા પરિવારના સભ્યો અથવા સારવાર કરતી મેડિકલ ટીમને પણ ચેપ લાગવાનું જોખમ રહે છે.
બચાવના ઉપાયો
- પક્ષીઓએ ચાંચ મારેલા કે નીચે પડેલા ફળો ખાવાનું ટાળો.
- ફળોને બરાબર ધોઈને જ ઉપયોગમાં લો.
- બીમાર વ્યક્તિઓથી સુરક્ષિત અંતર જાળવો અને માસ્કનો ઉપયોગ કરો.
- વારંવાર સાબુથી હાથ ધોવાની આદત રાખો.
ઉલ્લેખનીય છે કે, નિપાહ વાયરસ ચોક્કસપણે ઘાતક છે, પરંતુ સાવચેતી અને જાગૃતિ જ આ વાયરસ સામે લડવાનું સૌથી મોટું હથિયાર છે. ગભરાવાની જરૂર નથી, માત્ર સતર્ક રહેવાની જરૂર છે.