કચ્છ જિલ્લાના ધોળાવીરામાં થયેલા જમીન સંપાદન બાદ યોગ્ય વળતર માટે ખેડૂતોએ કાયદાકીય કાર્યવાહી કરી હતી. વર્ષ 2023માં ભચાઉ કોર્ટે વળતર અંગેનો હુકમ કર્યા બાદ દાવા કરનારે વળતર મેળવવા માટે અરજી કરી હતી. જેમાં આર્કિયોલોજીકલ વિભાગ તરફથી જમીનનું વળતર ચૂકવી દેવાશે એવી ખાતરી આપી હતી. તેમ છતાંય વળતરની રકમની ચૂકવણી કરાઈ નહોતી. કોર્ટ સમક્ષ આર્કિયોલોજીકલ વિભાગના અધિકારીઓએ ચારથી પાંચ વખત ખાતરી આપી હતી કે તેઓ વળતરની ચૂકવણી કરશે.
આ મામલે હાઈકોર્ટ લાલઘૂમ થઈ હતી અને અધિકારીને ખખડાવી નાંખ્યા હતાં.
કોર્ટે કહ્યું, ASIના અધિકારી કોર્ટને રમકડું સમજે છે?
ગુજરાત હાઈકોર્ટમાં ધોળાવીરામાં થયેલા જમીન સંપાદન મામલે કરવામાં આવેલી અરજી પણ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે આર્કિયોલોજીકલ સરવે ઓફ ઈન્ડિયાના અધિકારીને ખખડાવી નાંખ્યા હતાં અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, કોર્ટના આદેશોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટમાં બાંહેધરી આપનાર ASIના અધિકારી કોર્ટને રમકડું સમજે છે એમ કહી કોર્ટે એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો.
વળતર નહીં ચૂકવતા કોર્ટ આકરાપાણીએ થઈ હતી
અધિકારીએ ખેડૂતોને બાંહેધરી આપ્યા બાદ પણ વળતર નહીં ચૂકવતા કોર્ટ આકરાપાણીએ થઈ હતી. ખેડૂતોને વળતર ચૂકવવામાં વિલંબ થતાં પાત્રતા ધરાવતા પ્રતિવાદીઓએ કોર્ટ સમક્ષ સોગંદનામામાં વિવિધ હકિકતો રજૂ કરી હતી. હાઈકોર્ટે આર્કિયોલોજી તરફથી થયેલી અરજી ફગાવી દીધી હતી. દંડની રકમ ત્રણ સપ્તાહમાં જમા કરાવવા આદેશ કર્યો હતો.