ગાંધીનગર સાયબર સેલની મોટી સફળતા: 60 વેબસાઈટ અને 9 સર્વર દ્વારા ચાલતું ઓટીપી કૌભાંડ ઝડપી પાડ્યું, મધ્ય પ્રદેશથી બેની ધરપકડ

Spread the love

 

ગુજરાત સાયબર સેલ ઓફ એક્સેલેન્સે ટેકનોલોજીના માધ્યમથી આચરવામાં આવતા એક અત્યંત આધુનિક અને ખતરનાક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ‘સાયબર ક્રાઈમ એઝ એ સર્વિસ’ (CaaS) પૂરી પાડતી આ ગેંગના બે મુખ્ય સાગરીતોને મધ્ય પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ સીધો સાયબર ક્રાઈમ કરવાને બદલે, ગુનેગારોને ગુનો આચરવા માટે જરૂરી OTP અને અન્ય ટેકનિકલ સપોર્ટ પૂરો પાડતી હતી.

ઝડપાયેલા આરોપીઓ અવધેશ મેહતાબસિંહ રાવત અને શિવમ કપ્તાનસિંહ રાવતે પ્રાથમિક પૂછપરછમાં છેલ્લા દોઢ વર્ષમાં 25,000 થી વધુ ગુનાહિત કરતૂતો કર્યા હોવાની કબૂલાત કરી છે.
શું છે આ ‘ઓટીપી સર્વિસ’ ગેંગની મોડસ ઓપરેન્ડી?આ ગેંગ કોઈ એકલ-દોકલ ગુનો નહીં, પરંતુ 300 થી 400 પ્રકારની અલગ-અલગ સર્વિસ આપતી હતી. તેઓ OTPBUY.COM અને SUPER OTP જેવી વેબસાઇટ્સ ચલાવતા હતા. આ પ્લેટફોર્મ્સ દ્વારા તેઓ સાયબર અપરાધીઓને ફેક ઇ-કોમર્સ એકાઉન્ટ બનાવવા, ધમકીભર્યા ઇમેઇલ્સ મોકલવા, પૈસાની હેરાફેરી માટેના મ્યુલ એકાઉન્ટ ખોલવા અને ગેરકાયદે વસ્તુઓની ખરીદી કરવા માટે જરૂરી OTP સર્વિસ પ્રોવાઇડ કરતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર નેટવર્કનું સંચાલન ચીન સાથેના સંપર્કથી થતું હતું.
ડિજિટલ પુરાવાઓનો ખજાનો મળ્યોતપાસ દરમિયાન સાયબર સેલે શોધી કાઢ્યું છે કે આ ગેંગ 60 જેટલી શંકાસ્પદ વેબસાઇટ્સ અને 50 થી વધુ ઇમેઇલ એડ્રેસનો ઉપયોગ કરતી હતી. ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે તેઓએ અલગ-અલગ દેશોમાં ફેલાયેલા 9 સર્વરનો ઉપયોગ કર્યો હતો. પોલીસને આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન અને 8 સર્વરનો ડેટા મળ્યો છે, જે સાયબર ક્રાઈમના બેકેન્ડમાં બેઠેલા માસ્ટરમાઈન્ડ્સ સુધી પહોંચવામાં મદદરૂપ થશે.
ક્રિપ્ટોકરન્સી અને વોલેટ દ્વારા વ્યવહારઆરોપીઓ પોલીસની પકડથી બચવા માટે નાણાકીય વ્યવહારોમાં પણ અત્યંત સાવચેત હતા. તેઓ પોતાની સર્વિસના બદલામાં પૈસા મેળવવા માટે ક્રિપ્ટો કરન્સી અને ડિજિટલ વોલેટનો ઉપયોગ કરતા હતા. પોલીસે હાલમાં 4 મોબાઈલ ફોન, 2 ડિજિટલ વોલેટ અને અન્ય મહત્વનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગમાં કુલ 6 સભ્યો સામેલ છે, જેમાંથી 2ની ધરપકડ થઈ છે અને બાકીના 4 આરોપીઓ, જે અલગ-અલગ દેશોમાં હોવાની આશંકા છે, તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઓપરેશનથી સાબિત થયું છે કે સાયબર અપરાધીઓ હવે વ્યક્તિગત રીતે નહીં પણ એક સંગઠિત ‘સર્વિસ ઇન્ડસ્ટ્રી’ તરીકે કામ કરી રહ્યા છે. સાયબર સેલના અધિકારીઓએ લોકોને અજાણી વેબસાઇટ્સ પર ઓટીપી શેર ન કરવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *