લગન છે કે ધિંગાણું ? આવું જ દ્રશ્ય ગઈકાલે ધારીમાં લગ્ન પ્રસંગે જોવા મળ્યું હતું, રોટલી પીરસવા બાબતે જાનૈયા અને માંડવિયા પક્ષ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ગંભીર બનતા લગ્નનું સ્થળ ઘડીકવારમાં રણ સંગ્રામમાં ફેરવાયું હતું. એક બીજા ઉપર જે હાથમાં આવ્યું એનાથી મારમારી કરી કાર માથે ચડાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ધીંગાણામાં 10થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.
બનાવના પગલે પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને બંને પક્ષની ફરિયાદના આધારે 10 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.
વિપુલનું ગળું પકડી માર મારવા લાગ્યા
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ધારીના ખીસરી ગામે રહેતા બાબુભાઇ દામાભાઇ ચારોલીયાની દીકરી સોનલબેનના ગત તા.26ના લગ્ન હોવાથી તેનો જમણવાર ચાલુ હતો દરમિયાન રોટલી ઘટતા અંકીત ઉર્ફે દિનેશભાઇ વાધેલાએ બાબુભાઇના ભાઈ વિપુલને રોટલી વધુ આપવાનું કહી બોલાચાલી કરી ગાળો આપતા વિપુલે ગાળો આપવાની ના પાડતા અંકિત વધુ ઉશ્કેરાઈ ગયો હતો ને વિપુલનું ગળું પકડી માર મારવા લાગતા વિપુલ ગળાચિપ છોડાવી ઘર તરફ ભાગ્યો હતો.
બધાને આડેધડ માર મારવા લાગ્યા
આથી તેની પાછળ અંકિત વાઘેલા, ભરત વિનુભાઇ વાઘેલા, વિનુ ભગવાનભાઇ વાઘેલા, રોહીત ભુપતભાઇ વાઘેલા (રહે.તમામ દેવળીયા તા.જી.અમરેલી) પરેશ ભનુભાઇ માથાસુળીયા (રહે.સરસીયા તા.ધારી) બધા હાથમાં લાકડી, બડિકા, ધોકા લઈને પાછળ દોડ્યા હતા, યુવકને બચાવવા માટે દીકરીના પિતા બાબુભાઈ, કેશુભાઈ સહિતના છોડાવવા વચ્ચે પડતા બધાને આડેધડ મારમારવા લાગ્યા હતા.
માંડવિયા પક્ષે જાનૈયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી
જેમાં કેશુભાઈ તેમજ કન્યાના પિતા બાબુભાઇને ઈજાઓ થઇ હતી, તેમજ બાબુભાઈ તેના ભાઈ વિપુલ, પ્રકાશ ને મારી નાખવાના ઇરાદે ભરતે બોલેરો કાર અને પરેશે અલ્ટો કર પુરપાટ ઝડપે હંકારી માથે ચડાવી દેતા પ્રકાશભાઈ, બાબુભાઇને ગંભીર ઈજાઓ થઇ હતી અને કાર મોટર સાઇકલ સાથે અથડાવતા નુકશાન કર્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે ધારી અને અમરેલી ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કન્યાના પિતા બાબુભાઈએ જાનૈયા પક્ષના અંકીત ઉર્ફે દિનેશભાઇ વાધેલા, ભરત વિનુભાઇ વાધેલા,વિનુ ભગવાનભાઇ વાધેલા, રોહીત ભુપતભાઇ વાધેલા,પરેશ ભનુભાઇ માથાસુળીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
જાનૈયા પક્ષે માંડવિયા પક્ષ સામે વળતી ફરિયાદ નોંધાવી
જ્યારે સામા વેવાઈપક્ષના વિનુભાઇ ભગવાનભાઇ વાધેલા (ઉ.વ.60)એ વળતી ફરિયાદમાં કન્યાના પિતા બાબુ દામાભાઇ ચારોલીયા, વિપુલ દામાભાઇ ચારોલીયા, હસમુખ દામાભાઇ ચારોલીયા, બાબુભાઇ દામાભાઇ ચારોલીયા, ભાવેશ જેહાભાઇ ચારોલીયા, જેહા વાલાભાઇ ચારોલીયા તમામ (રહે.ખીસરી તા.ધારી)ના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારાભાઈ કેશુભાઈના દીકરાના દીકરા મંગળુભાઈ મનીષભાઈ વાઘેલાન લગ્નની જાન લઈને ખીસરી ગામે ગયા હતા ત્યાં જમણવાર ચાલુ હતો ત્યારે મારો દીકરો દિનેશ ઉર્ફે અંકિત અને હું રોટલી લેવા માટે ગયો હતો. રોટલી પીરસતા કન્યાના કાકા વિપુલને બે રોટલી વધુ આપવાનું કહેતા વિપુલે એક જ રોટલી મળશે તેમ કહી ગાળાગાળી કરી માર મારવા લાગતા અમે જમવાનું મૂકીને ભાગી ગયા હતા. ખીસરી પુલ પાસે પહોંચતા અમારી પાછળ બધા લાકડી, ધોકા, બડ઼િકા લઈને પાછળ આવી આડેધડ માર મારવા લાગ્યા હતા. લગ્નમાં આવેલા બધાએ વધુ મારમાંથી છોડાવ્યા હતા.
દરમિયાન મને તેમજ દીકરા ભરત, અંકિત, રોહિત, પરેશ, બહાદુર, જેહાભાઈને મારમાર્યો હતો અને આજે તો બધાને મારી જ નાખવા છે, દરમિયાન માણસો ભેગા થઇ જતા બધા નાસી ગયા હતા. ઈજાઓ થવાથી તમામને 108 મારફતે ધારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બંને પક્ષની ફરિયાદના આધારે ધારી પોલીસે 10 શખસો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.