
સુરેન્દ્રનગર શહેરના એસટી ડેપોમાં રાત્રિના સમયે શૌચાલયોમાં તાળા મારી દેવામાં આવે છે. જેના કારણે અહીં મુસાફરી માટે આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બંધ શૌચાલયો શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આથી શૌચાલયો ખૂલ્લા મુકાતા રાહત થઇ હતી. પરંતુ હવે શૌચાલયના વોશરૂમમાં પણ હાથ ધોવાના નળને તાળા લાગી જતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટા એસટી ડેપો સુરેન્દ્રનગર શહેરમાં આવેલો છે. આ ડેપોમાં એસટી બસો દોડાવવાની સાથે તેનું સંચાલન રાજકોટ એસટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જેના કારણે આ ડેપોમાંથી દૈનિક 14000થી વધુ મુસાફરો આવ-જા કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલા આધુનિક બસ સ્ટેશનમાં વારંવાર અસુવિધાઓની ફરિયાદો ઉઠી છે. ત્યારે આ બસ સ્ટેશનમાં બનાવવામાં આવેલા શૌચાલયને તાળા મારી દેવાતા મુસાફરો પરેશાન બન્યા હતા.
અને રાત્રિના સમયે શૌચાલયને તાળા મારી દેવાતા શૌચક્રિયા માટે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. આથી આ બંધ શૌચાલય શરૂ કરવામાં આવે તો મુસાફરોમાં રાહત થાય તેવી માંગ ઉઠી હતી. પરિણામે શૌચાલય ખૂલ્લા થતા લોકોમાં રાહત ફેલાઇ હતી. જ્યારે આ અંગે એસટી સૂત્રોએ જણાવ્યું કે, બસ સ્ટેશનમાં એક અને બીજી બાજુ એમ બે સ્થળોએ શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ એક બાજુના શૌચાલયોમાં કોઇ તત્વો દ્વારા તોડફોડ કરી વારંવાર નુકસાન કરી શૌચાલયની ટાઇલ્સો, નળ સહિતને તોડી નંખાય છે. આથી રાત્રે બંધ રાખવામાં આવે છે.બીજી તરફ નવા બસ સ્ટેશનના કારણે સુવિધાઓ મળશે તેવી પણ મુસાફરોને આશા હતી. પરંતુ આ બસ સ્ટેશનમાં અસુવિધાઓના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા શૌચાલયને તાળા મરાતા મુસાફરોમાં અકળાયા હતા. ત્યારબાદ હવે શૌચાલયો ખૂલ્લા થયા પણ તેની અંદર હાથ ધોવા માટેના નળ ઉપર જ તાળા લાગતા લોકોમાં રોષ ફેલાયો છે.
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. જેમાં વોશરૂમમાં હાથ ધોવા માટેના નળને તાળા મારવામાં આવતા લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે. હાથ ધોવા માટે પૈસા ખર્ચીને પાણીની બોટલો ખરીદવી પડતી હોવાની રાવ ઉઠી હતી. ઃ સુનિલ જી. રાઠોડ