
સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતના સદસ્યના પુત્ર સત્યજીતસિંહ પરમાર પર ફાયરિંગ થયું હતું. કાર પાર્કિંગના મુદ્દે થયેલી બોલાચાલી બાદ એક નિવૃત્ત પોલીસકર્મીએ ગોળીબાર કર્યો હતો, જેમાં સત્યજીતસિંહને પગમાં ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના જૂની અદાવત અને કાર પાર્ક કરવાના મામલે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ બની હતી. એએસપી વેદીકા બિહાનીએ જણાવ્યું કે, બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક ગોળી માથાની નજીકથી મિસ ફાયર થઈ હતી, જ્યારે બીજી ગોળી સત્યજીતસિંહના પગમાં વાગી હતી.
ઈજાગ્રસ્ત સત્યજીતસિંહ પરમારને સૌપ્રથમ મૂળી ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી, ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે.