
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી ઈતિહાસની સૌથી મોટી ટ્રેડ ડીલ થઈ છે. ત્યારે દરેકના મનમાં એક સવાલ ઉભો થાય છે કે આ ડિલથી ગુજરાતને શું ફાયદો થશે? તો અમે તમને જણાવી દઈએ કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી ડીલથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી મોટી બૂસ્ટ મળવાની છે, એટલે કે આ ડીલ ગેમ-ચેન્જર સાબિત થવા જઈ રહી છે. આ ડીલને કારણે આગામી વર્ષોમાં સુરત સહિત સમગ્ર ભારતમાંથી યુરોપિયન દેશોમાં કાપડની નિકાસમાં ધરખમ વધારો થવાની પૂરી શક્યતા છે. તાજેતરમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ટેક્સટાઇલ ક્ષેત્રે વાર્ષિક અંદાજે 3 બિલિયન ડોલરનો બિઝનેસ થાય છે. જોકે, આ નવી ટ્રેડ ડીલના અમલીકરણ સાથે માત્ર એક જ વર્ષમાં આ આંકડામાં 2 બિલિયન ડોલર (અંદાજે 16,500 કરોડથી વધુ) નો સીધો વધારો થવાની આશા છે. આ વૃદ્ધિ સુરતના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી યુરોપિયન દેશો ગારમેન્ટ અને મેન-મેડ ફાઈબર (MMF) માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન, વિયેતનામ અને ચીન પર નિર્ભર હતા. આપણી પાસેથી કાપડની આયાત ઓછી થવાનું મુખ્ય કારણ તેની વધુ કિંમત હતી. પરંતુ હવે ચિત્ર બદલાશે.
ટ્રેડ ડીલને કારણે ડ્યુટીમાં રાહત મળતા સુરતનું કાપડ સસ્તું થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં હરીફાઈ કરી શકશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અસ્થિર રાજકીય સ્થિતિને કારણે યુરોપિયન વેપારીઓ હવે ભારતને એક ભરોસાપાત્ર અને લાંબા ગાળાના બિઝનેસ પાર્ટનર તરીકે જોઈ રહ્યા છે. અન્ય દેશોની સરખામણીએ ભારત ગુણવત્તાયુક્ત કાપડ પૂરૂ પાડવા સક્ષમ છે. સુરતે માત્ર ફેબ્રિક જ નહીં, પણ રેડીમેડ ગારમેન્ટિંગ ક્ષેત્રે પણ પોતાની ક્ષમતા વધારવી પડશે. યુરોપિયન દેશોમાં ટેક્સટાઇલ માર્કેટ અંદાજે 263.5 બિલિયન ડોલરનું છે. આ વિશાળ બજારમાં હિસ્સો મેળવવા માટે સુરતના ઉદ્યોગકારોએ કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે. ઉદ્યોગકારોએ યુરોપિયન ધારાધોરણો અને નીતિ-નિયમો મુજબ કાપડ તૈયાર કરવું પડશે. યુરોપમાં પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ ઉત્પાદનોની માંગ વધુ હોય છે, જે દિશામાં અત્યારથી કામ શરૂ કરવું જરૂરી છે.