
વડોદરામાં પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની પોલીસે ધરપકડ કરી છે. જી હા.. 26મી જાન્યુઆરીની મોડી રાત્રે એક હાઈ-પ્રોફાઈલ ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો છે. ભારતીય ટીમના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકોબ માર્ટિને નશાની હાલતમાં બેફામ કાર હંકારી ત્રણ વાહનોને અડફેટે લેતા પોલીસે તેમની ધરપકડ કરી છે. વડોદરામાં બનેલી આ ઘટના વિશે વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના 52 વર્ષીય જેકોબ જોસેફ માર્ટિન ગત રાત્રે આશરે અઢી વાગ્યાના આસપાસ પોતાની લક્ઝરી એમ.જી. હેક્ટર કાર લઈને ઓલ્ડ પાદરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. અકોટા વિસ્તારમાં મલ્હાર પોઈન્ટ પાસે આવેલા પુનિત નગર નજીક તેમણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. નશામાં ધૂત પૂર્વ ક્રિકેટરે રોડ સાઈડ પાર્કિંગમાં પડેલી ત્રણ કારને જોરદાર ટક્કર મારી હતી. વડોદરામાં અકસ્માત બાદ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જેકોબ માર્ટિનની અટકાયત કરી હતી. પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માત એમ બે અલગ-અલગ ગુના નોંધી પૂર્વ ક્રિકેટરની ધરપકડ કરવામાં આવી છે. શામાં ધૂત પૂર્વ ક્રિકેટરની અકસ્માત સર્જનાર અંદાજે રૂ. 20 લાખની કિંમતની લક્ઝરી કાર પોલીસે કબ્જે કરી છે. પોલીસે BNSની કલમ 281, 324(5), મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 185 તેમજ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1) બી હેઠળ ગુનો નોંધ્યો છે. જેકોબ માર્ટિનની પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેમનો એક મિત્ર વિદેશથી દારૂની બોટલ લાવ્યો હતો, જે બપોરે મિત્ર સાથે મળીને પીધો હતો. ત્યારબાદ તેઓ એક લગ્ન પ્રસંગમાં ગયા અને ત્યાંથી મોડી રાત્રે એકલા પરત ફરી રહ્યા હતા. ગાડી ચલાવતી વખતે અચાનક ઝોકું આવી જતાં કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, જેકોબ માર્ટિન ભારત તરફથી 10 વન-ડે મેચ રમી ચૂક્યા છે અને ઘરેલુ ક્રિકેટમાં વડોદરા ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.