
ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે સરકારી જંગલ જમીનનો ભાગ બનેલી જમીનના વેચાણ કરારથી કોઈ અધિકાર કે માલિકી હક થઇ જતો નથી. આવા કરારના આધારે દાવો કરાયેલો કબજો રાજ્ય સામે ટકી શક્તો નથી. જસ્ટિસ જે. સી. દોશીએ વર્ષ 2004માં સિવિલ પ્રોસિજર કોડની કલમ 100 હેઠળ 30મી માર્ચ 1965ના રોજ રજિસ્ટર્ડ વેચાણ કરારના આધારે ગીર જંગલના જસાધાર રેન્જમાં આવેલી જમીન પર કબજો હોવાનો દાવો અરજદારે કર્યો હતો. આ જમીન મૂળ વસાહતીને વન વસાહત હેઠળ લીઝહોલ્ડ જમીન તરીકે આપવામાં આવી હતી. અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે, વેચાણ કરાર મૂળ વસાહતીના વારસદાર હોવાનો દાવો કરનારા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જમીનનો કબજો કરાર અનુસાર સોપવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા કબજો રદ કરવાની ધમકી આપતા અરજદારે કાયમી મનાઈ હુકમ માગતો દાવો દાખલ કર્યો હતો. ત્યારબાદ જમીન અંગેના વન વિભાગ દ્વારા પસાર કરાયેલા આદેશને પડકારવા અરજદારે તેની ફરિયાદમાં સુધારો કર્યો હતો.
જોકે, ટ્રાયલ કોર્ટે આ દાવો ફગાવી દીધો હતો. જેને પ્રથમ અપીલ કોર્ટે પણ સમર્થન આપ્યું હતું.
ત્યારબાદ અરજદારે બીજી અપીલ હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટ સમક્ષ એ મામલો આવ્યો હતો કે શું અરજદાર વેચાણ કરારના આધારે જંગલની વસાહતી જમીન સંબંધિત રાજ્ય સામે કોઈ હકનો દાવો કરી શકે છે અથવા કબજાનું રક્ષણ માગી શકે કે કેમ. કોર્ટે આ કેસમાં એવી ચકાસણી પણ કરી હતી કે, શું આવી પરિસ્થિતિઓમાં મિલકત ટ્રાન્સફર કાયદાની કલમ 534 લાગુ કરી શકાય છે અને શું બીજી અપીલમાં વિચારણા માટે કાયદાનો કોઈ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો થયો છે કે કેમ આ તમામ મુદ્દાનું મૂલ્યાંકન કર્યા બાદ હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, અરજદાર વિવાદિત જમીનના સંદર્ભમાં કોઈપણ કાયદેસર રીતે લાગુ કરી શકાય તેવો અધિકાર સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયા છે. રેકોર્ડની તપાસ કરતાં કોર્ટે નોંધ્યું હતું કે, વિવાદીત જમીન સરકારી જંગલનો ભાગ હતી અને અરજદારનો દાવો 30મી માર્ચ 1965ના રોજ થયેલા વેચાણ કરાર પર આધારિત હતો. હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે, અરજદારના પક્ષમાં કોઈ અધિકારનું ટ્રાન્સફર થયું નથી અને વેચાણ કરારથી જમીન પર કોઈ અધિકાર માલિકી કે હિત સર્જાયું નથી.