ઈમેઈલ સ્પુફિંગ દ્વારા લાખોની ઠગાઈ, વેન્ડરના નામે ફેક ઈમેઈલ મોકલી ઠગબાજોએ 10.80 લાખનો ચૂનો લગાવ્યો

Spread the love

 

ગાંધીનગરના સાંતેજ સ્થિત એક ફાર્મા અને ફૂડ્સ કંપની સાથે ઈમેઈલ આઈડીમાં ફેરાફાર કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ગઠિયાઓએ કંપનીના સત્તાવાર વેન્ડરના નામે ખોટો ઈમેઈલ કરી કુલ રૂ .10.80 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગૂનો નોંધવામાં આવ્યો છે.
કલોલ ખાતે રહેતા પવન સાહેબરાવ વાઘ સાંતેજમાં આવેલી શ્રી એડિટિવ્સ ફાર્મા એન્ડ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ કંપનીના નંદાસણ યુનિટના સેટઅપ માટે મુંબઈની ડિઝાઇન સંયોજક નામની ફર્મ સાથે કામકાજ ચાલતું હતું.
આ ફર્મના બાકી પેમેન્ટ માટે કંપનીના ફાઇનાન્સ ડાયરેક્ટર નીરાલીબેન પટેલ સાથે ઈમેઈલ પર વાતચીત ચાલી રહી હતી. દરમિયાન 15 ઓક્ટોબર 2025ના રોજ અસલ વેન્ડર જેવા જ દેખાતા ખોટા ઈમેઈલ આઈડી પરથી નીરાલીબેનને મેઈલ મળ્યો હતો. જેમાં જણાવાયું હતું કે ડિઝાઇન સંયોજક ફર્મનું બેંક એકાઉન્ટ હાલમાં ઓડિટમાં હોવાથી પેમેન્ટ અન્ય ખાતામાં કરવાનું રહેશે.
બાદમાં ગઠિયાઓએ શ્રી નમો એન્ટરપ્રાઈઝના નામે પંજાબ નેશનલ બેંકની વિગતો મોકલી આપી હતી અને કંપનીએ આ વિગતો સાચી માનીને RTGS દ્વારા 10 લાખ 80 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે દિવાળીની રજાઓ બાદ આસિસ્ટન્ટ મેનેજર પવન વાઘે વેન્ડર કંપનીના મેનેજર શ્રીધર દદનાલા સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે, તેમણે આવો કોઈ ઈ-મેઈલ મોકલ્યો નથી કે તેમનું કોઈ એકાઉન્ટ ઓડિટમાં નથી.
જે અંગે ઊંડાણ પૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ઠગબાજોએ કંપનીના અને વેન્ડરના નામને મળતા આવતા અનેક ફેક ઈમેઈલ આઈડી બનાવ્યા હતા. ગઠિયાઓએ પેમેન્ટ મળ્યાના બીજા જ દિવસે એટલે કે 16 ઓક્ટોબરના રોજ ચેક દ્વારા તમામ રકમ ઉપાડી લીધી હતી. આ મામલે સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કર્યા બાદ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *