
મહેસાણા શહેરના સીમાડા પરના નુગર સર્કલ પાસેથી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ચોરી જતાં ત્રણ ડમ્પર ઝડપી લીધાં હતા. તેવી જ રીતે ઊંઝા રોડ પરથી અનધિકૃત રેતી ખનિજ ભરી જતાં બે ડમ્પર ગાડી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આશરે દોઢેક કરોડ રૂપિયાના મુદ્દામાલને જપ્ત કરી ખનિજ અધિકારીઓએ ત્રણ વાહન માલિકો પાસેથી અંદાજીત બે લાખ રૂપિયાના દંડની વસૂલાત કરી ત્રણે ડમ્પર છોડી મૂક્યા હતા.
મહેસાણા શહેરના છેવાડા પર આવેલાં નુગર સર્કલ નજીક સ્થાનિક ભૂસ્તર અધિકારીઓ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન રોયલ્ટી પરમીટ વગર સાદી રેતી ભરી જતાં ત્રણ ડમ્પરને ઝડપી પાડી નજીકના સ્ટોક યાર્ડમાં મુકાવી દીધાં હતા. જેમાં એક ડમ્પરમાં રોયલ્ટી પરમીટ વગર રેતી ખનિજ અને બે ડમ્પરમાં ઓવરલોડ રેતીનો જથ્થો ભર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ત્રણેય ડમ્પર ગાડીને સ્ટોક યાર્ડ ખાતે મુકાવી દઈ તેના વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
દંડ ફટકારી તેની ઓનલાઈન રિકવરી આકી ભૂસ્તર ટીમે આશરે દોઢેક કરોડનો મુદ્દામાલ કબજે લઈ ઓવરલોડ રેતી ભરેલાં બે ડમ્પરના માલિકો પાસેથી રૂ.1.38 લાખનો દંડ વસૂલી બંને વાહનોને મુક્ત કર્યા હતા. જ્યારે ઊંઝા ખાતેથી રોયલ્ટી પરમીટ વગર અને ઓવરલોડ મળી બે ડમ્પરને પકડી પાડી સ્થાનિક સ્ટોક યાર્ડ ખાતે મુકાવી દીધાં હતા. જેમાંના રોયલ્ટી વગરના ઓવરલોડ રેતી ભરેલાં ડમ્પર માલિકને રૂ. 64,569ના દંડની રીકવરી કરી એક ગાડીને છોડી મૂકી હતી. આમ ઊંઝા અને મહેસાણાના નુગર પાસેથી દંડની વસુલાત કરી ત્રણ વાહનોને છોડી મુકવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.