
અમેરિકાના મહત્વના રાજ્ય ટેક્સાસમાં નવા H-1B વિઝા જારી કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. ગવર્નર ગ્રેગ એબોટે આવતા વર્ષે મે મહિના સુધી H-1B કેટેગરીના વિઝા જારી ન કરવાનો આદેશ આપ્યો છે. પહેલા તબક્કામાં ટેક્સાસની તમામ સરકારી કચેરીઓ અને યુનિવર્સિટીઓમાં આ રોક લાગશે. આ આદેશથી લગભગ 15 હજાર ભારતીયો પર અસર પડી શકે છે. ટેક્સાસ વર્કફોર્સ કમિશન પાસેથી તમામ H-1B વિઝા ધારકોની સંખ્યા, જોબ રોલ, મૂળ દેશ અને વિઝા સમાપ્તિ વિશે 27 માર્ચ સુધીમાં ડેટા રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. નવા આદેશો અનુસાર H-1B વિઝા પર રોક તેના કથિત દુરુપયોગને કારણે લગાવવામાં આવી છે.
ટેક્સાસ H-1B વિઝા જારી કરનાર અમેરિકાનું બીજું મોટું રાજ્ય છે. પહેલા નંબર પર કેલિફોર્નિયા આવે છે. અમેરિકામાં દર વર્ષે ભારતીયોને મળતા લગભગ બે લાખ H-1B વિઝામાંથી લગભગ 40 હજાર ટેક્સાસમાં જારી થાય છે. આમાંથી લગભગ 25 હજાર IT કંપનીઓ અને બાકીના 15 હજાર સરકારી કચેરીઓ અને યુનિવર્સિટીઓ માટે જારી કરવામાં આવે છે. ઑસ્ટિન યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં ભારતીયો કાર્યરત છે. 2.77 ટ્રિલિયન ડોલરની GDP ધરાવતું ટેક્સાસ દુનિયાની 8મી સૌથી મોટી ઇકોનોમી છે. આ કેનેડા, ઇટાલી, દ. કોરિયા, રશિયા અને ઑસ્ટ્રેલિયા કરતાં પણ મોટી ઇકોનોમી છે. ટેક્સાસનું ઑસ્ટિન શહેર મોટું ટેક હબ છે.
ભારતમાં H-1B વિઝા ઇન્ટરવ્યુ માટે અમેરિકી દૂતાવાસોમાંથી ઇન્ટરવ્યુ ડેટ હવે આવતા વર્ષે એપ્રિલ-મેની મળી રહી છે. જાન્યુઆરીમાં સ્ટેમ્પિંગ માટે અરજી કરનારાઓ માટે સ્લોટ ઉપલબ્ધ નથી. દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નઈ અને હૈદરાબાદના અમેરિકી દૂતાવાસોમાં H-1B માટે સોશિયલ મીડિયા તપાસ થઈ રહી છે. H-1B વિઝા ધારકોને દર બીજા વર્ષે સ્ટેમ્પિંગ માટે પોતાના મૂળ દેશ આવવું પડે છે. સ્ટેમ્પિંગમાં વિલંબને કારણે મોટી સંખ્યામાં લોકો અટવાઈ ગયા છે. ટેક્સાસ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું રાજ્ય છે. આ અમેરિકા ફર્સ્ટની નીતિને અનુસરે છે. જાણકારોનું કહેવું છે કે ભારત-EU ડીલના તરત જ પછી ટેક્સાસના નિર્ણયનો સમય સવાલ ઊભા કરે છે. તેમ છતાં, માન્ય વિઝા ચાલુ રહેશે, પરંતુ રિન્યુ કરાવવામાં મુશ્કેલીઓ આવી શકે છે. હાલમાં ખાનગી કંપનીઓને વિઝા જારી થશે, પરંતુ જે રીતે બધાના ડેટા એકઠા થઈ રહ્યા છે, તે અંગે આશંકા ઊભી થઈ રહી છે.