ગુજરાત રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ -૨૦૧૬. અને નિયમો અન્વયે સ્થપાયેલ ગુજરાત રીયલ એસ્ટેટ એપેલેટ ટ્રીબ્યુનલની કચેરી નો ગાધીનગર કર્મયોગી ભવન ખાતે ટ્રીબ્યુનલના અધ્યક્ષ અને ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી આર.ડી. કોઠારી ના વરદ હસ્તે શુભારંભ કરાયો છે.આ વેળાએ શહેરી ગુહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પુરી,હાઉસીંગના સચિવશ્રી લોચન સહેરા, ગુજરાત રીયલ એસ્ટેટ ઓથોરીટીના અધ્યક્ષ અને નિવૃત્ત આઈ.એ.એસ ડૉ. અમરજીત સિંધ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કર્મયોગી ભવન-૨, ડી-૨ વિંગ, ભોંયતળીયે, સેક્ટર-૧૦-એ ગાધીનગર ખાતે કાર્યરત થયેલ ગુજરાત રીયલ એસ્ટેટ એપેલેટ ટ્રીબ્યુનલની કચેરી ખાતે ચેરમેનશ્રી અને સભ્યશ્રીઓ માટે અલગ ચેમ્બર તેમજ કોર્ટરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે તે ઉપરાંત અપીલો અને અન્ય કાગળો જમા કરાવવા માટે રજીસ્ટ્રી શાખા તેમજ ટ્રીબ્યુનલની કામગીરી માટે જરૂરી સ્ટાફ માટે બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. કોવિડ-૨૦૧૯ની મહામારીના કારણે વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્યુઅલ/ઓનલાઇન હીઅરીંગ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ટ્રીબ્યુનલના કોર્ટરૂમમાં માઇક અને સાઉન્ડ સીસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કચેરી શરૂ થવાથી ટ્રીબ્યુનલ સમક્ષની અપીલોની કામગીરી સરળતાથી, અસરકારક રીતે અને ઝડપથી થઇ શકશે અને કાયદાના હેતુ મુજબ સંબંધિતોને ઝડપથી ન્યાય મળી શકશે જે રાજ્ય સરકારની પણ અગ્રિમ પ્રાથમિકતા રહેલી છે.