મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ NCC ડાયરેકટોરેટ ગુજરાતના NCC કેડેટસની ભારતીય સેનાના જવાનો પ્રત્યેની કૃતજ્ઞતા અને રાષ્ટ્રભક્તિ ભાવનાની આગવી સંવેદના રૂપે ‘કારગીલના વીરોને ગુજરાતનો આભાર’ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો
NCC ડાયરેકટરેટ ગુજરાતના વડા મેજર જનરલ અરવિંદ કપૂરની પ્રેરણાથી ‘‘એક મૈં સો કે લિયે’’ અભિયાન ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે-ર૦ર૧થી શરૂ કરવામાં આવેલું છે
આ અભિયાનના ૪ તબક્કાને મળેલી સફળતા અને સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ટવીટરના માધ્યમથી ૧૪ લાખ હિટસની સિદ્ધિ માટે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટીફિકેટ ઓફ કમિટમેન્ટ પ્રાપ્ત થયેલું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સર્ટિફિકેટ NCC ડાયરેકટોરેટ ગુજરાતના એડીશનલ ડિરેકટર મેજર જનરલ શ્રી અરવિંદ કપૂરને અર્પણ કર્યુ હતું
આ અભિયાનના પાંચમા તબક્કામાં ગુજરાતના NCC કેડેટસ રપ હજાર શુભેચ્છા કાર્ડ દેશની કારગીલ સરહદે તૈનાત જવાનોને કારગીલ વિજય દિવસની રરમી વર્ષગાંઠ ર૬ જુલાઇ એ મોકલવાના છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવતાં રાજ્યની વધુને વધુ યુવાશક્તિ શાળા-કોલેજોમાં NCCમાં જોડાઇને દેશહિત સર્વોપરિની ભાવના સાથે રાષ્ટ્રની એકતા-અખંડિતતા માટે રાષ્ટ્રસેવા સમર્પણ ભાવ કેળવે તેવું પ્રેરક આહવાન કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ યુવાશક્તિ જ દેશનું ભાવિ છે અને દેશનું ભાગ્ય બદલી ભારત માતાને જગદગુરુ બનાવવા સમર્થ છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ શાળા જીવનમાં NCC પ્રવૃત્તિમાં જોડાઇને રાષ્ટ્રભાવના, કર્તવ્ય અને અનુસાશનના મૂલ્યોથી જીવન ઘડતર કરેલું છે.
તેમણે ઉમેર્યુ કે, એકતા ઔર અનુશાસન NCCનું સૂત્ર છે અને યુવાઓ NCCમાં જોડાઇને એક બની સંગઠિત થઇ અનુશાસન સાથે રાષ્ટ્રસેવા સમાજ સેવાની પ્રવૃત્તિઓ સુપેરે ઉપાડી શકે છે.
કોરોનાની વૈશ્વિક મહામારીના કપરાકાળમાં NCC છાત્રોએ સમાજસેવા પ્રવૃત્તિઓ ચાલુ રાખીને રાષ્ટ્ર-રાજ્ય પ્રત્યેનું દાયિત્વ નિભાવ્યું છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે ગુજરાતમાં NCC પ્રવૃત્તિઓનો વ્યાપ વધે, બટાલિયનની સંખ્યામાં પણ ગુજરાતનો ક્રમ દેશમાં આગળ આવે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ૬૪ હજાર જેટલા યુવાઓ NCCમાં જોડાયેલા છે તે માટે ગૌરવની લાગણી વ્યકત કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર પણ NCC પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.
NCC ‘C’ સર્ટિફિકેટ પાસ થયેલા યુવાઓને પોલીસ દળની ભરતીમાં અગ્રતા આપવામાં આવે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
NCC ડાયરેકટોરેટ ગુજરાત દ્વારા ‘એક મૈં સો કે લિયે’ અભિયાનના અત્યાર સુધીમાં ચાર તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.
NCC ડાયરેકટોરેટ ગુજરાત મેજર જનરલ શ્રી અરવિંદ કપૂરે મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ અભિયાનની વિગતો આપી હતી.
તદઅનુસાર, આ અભિયાનના પ્રથમ તબક્કામાં સ્વયંસેવક તરીકે NCC કેડેટસે પોતાના મોબાઇલ ફોનથી ૧૦૦ સંબંધીઓ, મિત્રો, સ્નેહીજનોમાં કોવિડ પ્રોટોકોલ અને વેક્સિનેશનના મહત્વ વિશે જાગૃતિ કેળવી હતી.
બીજા તબક્કામાં વયસ્ક વડિલો-ઓલ્ડ એઇજ હોમ ,વૃદ્ધાશ્રમના વરિષ્ઠ વડિલોને NCCના છાત્રોએ સન્માન-આદર અને પ્રેમ આપ્યા હતા.
NCCના છાત્રોએ ‘‘એક મૈં સો કે લિયે’’ના અભિયાનના ત્રીજા તબક્કામાં ભૂતપૂર્વ સૈનિકો, સશસ્ત્ર દળોની વીર નારીઓ, શહિદવીરોની પત્ની-બાળકો સાથે જોડાઇને તેમને પણ મદદરૂપ થવાની સંવેદના દર્શાવી હતી.
એટલું જ નહિ, આ અભિયાનના ચોથા તબક્કામાં કોરોના વોરિયર્સ એવા તબીબો, નર્સ, વોર્ડબોય, એમ્બ્યુલન્સ ચાલકો, હોસ્પિટલના કર્મીઓ, સફાઇ કર્મીઓની સેવાઓને પ્રોત્સાહિત કરેલી છે.
NCC ડાયરેકટોરેટ ગુજરાતની આ સેવા ભાવનાને સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ટવીટર પર અપ્રતિમ લોકપ્રતિસાદ મળ્યો છે.
NCC ડાયરેકટરેટના ટવીટર હેન્ડલ પર ૧૪ લાખથી વધુ હિટસ આ અભિયાનના સમર્થન કરવા સાથે સરાહનાની મળેલી છે. આ સિદ્ધિ માટે લંડનના વર્લ્ડબૂક ઓફ રેકોર્ડસનું સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ NCC ડાયરેકટરેટ ગુજરાતને પ્રાપ્ત થયેલું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ NCC ડાયરેકટરેટ ગુજરાત રાજ્યના અને NCC કેડેટસની આ સમાજ સેવા ભાવનાને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ શ્રી હૈદર, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર તેમજ રાજ્યની વિવિધ NCC બટાલિયનના ઇન્ચાર્જ ઓફિસર્સ અને કેડેટસ જોડાયા હતા.