મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં ૧૮૦૦ મે. ટન ઓકસીજન ઉત્પાદન કરવાના આયોજન સાથે ૩૦૦ પ્લાન્ટ લગાવવાના લક્ષ્યાંક સામે ૧૭૫થી વધુ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ બોટાદ જિલ્લાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ગઢડા ખાતે નવનિર્મિત પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરતા જણાવ્યું કે, સામાન્ય દિવસોમાં મેડિકલ ઓક્સિજનની માંગ ૧૦૦ મેટ્રિક ટનની આસપાસ રહેતી હોય છે. પરંતુ કોરોનાની બીજી લહેરના પીક સમયે મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ ૧૨૦૦ મે.ટન સુધી પહોંચી હતી.
તેમણે ઉમેર્યું કે મેડિકલ ઓક્સિજનની આવી તીવ્ર માંગ વચ્ચે પણ ગુજરાતની એક પણ હોસ્પિટલમાં કોઈ દર્દીનું મૃત્યું ઓક્સિજનના અભાવે થયું નથી. રાજ્ય સરકારે સુવ્યવસ્થિત આયોજન થકી હોસ્પિટલ્સમાં મેડિકલ ઓક્સિજનનો પુરવઠો જાળવી રાખ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી એ ગૌરવ સાથે કહ્યું કે, દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન વગર કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવામાં આવી છે. દેશના ઘણા રાજ્યોમાં લોક ડાઉન નાખવામાં આવેલું આમ છતાં હજી પણ કોરોનાની બીજી વેવ નિયંત્રણમાં આવી નથી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતે કોરોનાની સ્થિતિને સફળતા પૂર્વક નિયંત્રિત કરી દેશને એક મોડલ પૂરું પાડ્યું છે. રાજ્યમાં ૮ લાખ લોકોને આપણે સાજા કરીને ઘરે મોકલ્યા છે. રિકવરી રેટ પણ ૯૮ ટકા પહોંચી ગયો છે. હવે આપણે કોરોનાની મહામારીથી બહાર નીકળી રહ્યા છીએ. ગઈકાલે રવિવારે ૭૦ જેટલા કેસો આવ્યા છે જે ભૂતકાળમાં ૧૪ હજાર જેટલા થઈ ગયા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, આપણે પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહિ આમ છતાં જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીએ.
બોટાદ જિલ્લામાં હાલ બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. રૂપિયા ૨૨ લાખના ખર્ચે નિર્માણ થયેલો ગઢડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનો આ પ્લાન્ટ દર મિનિટે ૧૫૦ લીટર ઓક્સિજન ઉત્પાદન કરશે જેનો ગઢડાની આસપાસના ૮૦ ગામોના લોકોને જરૂરિયાતના સમયે લાભ મળશે.
ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ પરમારે બોટાદ જિલ્લાની કોરોના સંક્રમણ નિયંત્રણ-સારવાર અંગેની કામગીરીનો ચિતાર આપી સંભવિત ત્રીજી લહેર સામે પૂર્વ તૈયારીની આ મુહીમ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માન્યો હતો,
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી નીતા બહેન, નગર પાલિકા પ્રમુખ સુશ્રી હર્ષા બહેન, ઓક્સિજન પ્લાન્ટના દાતા સુનીથ ડી સિલ્વા, જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા, ગોપીનાથજી દેવમંદિર ચેરમેન શ્રી હરિજીવન સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.