આવકવેરા વિભાગે ટાટા સમૂહ દ્વારા સંચાલિત 6 ટ્રસ્ટની નોંધણી રદ કરી દીધી છે. મુંબઈના આઇટી કમિશનરે 31 ઓક્ટોબરના રોજ આ સંદર્ભે એક આદેશ જારી કર્યો છે. આઇટી વિભાગે જે છ ટ્રસ્ટની નોંધણી રદ કરી છે તેમાં જમશેદજી ટાટા ટ્રસ્ટ, આરડી ટાટા ટ્રસ્ટ, ટાટા એજ્યુકેશન ટ્રસ્ટ, ટાટા સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ, સાર્વજનિક સેવા ટ્રસ્ટ અને નવાઝભાઇ રતન ટાટા ટ્રસ્ટનો સમાવેશ થાય છે. આ મુદ્દે હવે ટાટા સમૂહ અને આવકવેરા વિભાગ વચ્ચે સંઘર્ષ શરુ થઇ ગયો છે.
ટાટા સમૂહે આ નિર્ણયમાં વિલંબ થતાં કોર્ટમાં જવાની વાત કરી છે. ટાટા સમૂહે નિવેદન જારી કરીને કહ્યું છે કે 2015માં તમામ ટ્રસ્ટોએ નિર્ણય લીધો હતો કે તેઓ પોતાનાં રજીસ્ટ્રેશન પરત કરશે. આ સાથે જ તેઓએ ટ્રસ્ટના નામે આવકવેરા પર કોઈ રાહત નહીં મેળવે. ટ્રસ્ટ અગાઉની માફક સેવાકર્યો ચાલુ રાખશે. જો કે આઇટી વિભાગે 2015માં જ રજીસ્ટ્રેશન રદ કરી દેવું જોઈતું હતું પરંતુ તેમણે કર્યું નહોતું. આ વિલંબ માટે અમે કાયદકીય વિકલ્પ તપાસી રહ્યા છીએ કેમ કે રદ કરવાની પ્રક્રિયા હવે લાગુ થઇ છે, તેની પર આવકવેરા વિભાગે પાછલા દિવસોમાં ટ્રસ્ટનું ફરીથી મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો હતો.
ઇડીના અહેવાલ અનુસાર આવકવેરા વિભાગે કહ્યું છે કે તે પાછલાં ચાર વર્ષનું દેવું વસુલ કરવા માટે ટાટા જૂથના તમામ ટ્રસ્ટને ડિમાન્ડ નોટિસ ફટકારશે. માનવામાં આવી રહ્યું છે આ બાકી રકમ રૂ.12,000 કરોડ જેટલી છે. આ વર્ષે આવકવેરા વિભાગે તમામ ટ્રસ્ટને નોટિસ મોકલીને એસેમેન્ટ કરવાની વાત કહી હતી તેમજ 2015માં રજીસ્ટ્રેશન સરન્ડર કરવા મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા હતા.