તાજેતરના મહારાષ્ટ્ર હરિયાણાના પરિણામો જોયા બાદ લાગે છે કે કોંગ્રેસ મુકત ભારતનું ભાજપનું સ્વપન એ સ્વપ્ન જ રહી જશે. કારણ કે ઘણા બધા રાજ્યોમાં ભાજપનો વોટ શેર ઘટી રહ્યો છે અને સીટો પણ ઘટી છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે જો ભાજપનો ચાર ટકા વોટ શેર પણ ઘટે તો ઘણાં રાજ્યોમાં સત્તા ગુમાવવાનો કે બીજા પક્ષોની ટેકણલાકડી લેવાનો વારો આવશે.
ભાજપ માટે પાવર હાઉસ માનવામાં આવતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગઢ મહારાષ્ટ્રમાં વોટ શેર ઘટવો એ ભાજપ માટે ચિંતાનું કારણ બની શકે છે. ભાજપ અને શિવસેનાના ગઠબંધને પૂર્ણ બહુમતિનો આંકડો તો સ્પર્શી લીધો છે અને સત્તામાં વાપસી પણ કરશે. પરંતુ મતોની ટકાવારી સાથે સીટો ઘટી છે તે વાસ્તવિકતા છે. ભાજપે 2014ની ચૂંટણીમાં 28.1 ટકા મતો સાથે 122 સીટો જીતી હતી. આ વખતે પાર્ટીના મતમાં 2.4 ટકાનો ઘટાડો થયો છે તેની સાથે 15 સીટનું નુકસાન થયું છે. 2019માં ભાજપને 25.7 ટકા મત સાથે 107 સીટો જ મળી છે. તો બીજી તરફ શિવસેનાએ પણ હરખાવા જેવું નથી. 2014માં શિવસેનાને 19.5 ટકા વોટ શેર સાથે 63 સીટો મળી હતી અને 2019માં 16.41 ટકા થઇ ગયો. અને પાર્ટી સાત સીટના નુકસાન સાથે 56 સીટ જ જીતી શકી.
લોકપ્રિયતા ઘટી?
ભાજપે ૨૦૧૪ની ચૂંટણીમાં ૨૮.૧ મતો સાથે ૧૨૨ સીટ જીતી
પાર્ટીના મતમાં ૨.૪ ટકાનો ઘટાડો સાથે ૧૫ સીટનું નુકસાન
૨૦૧૯માં ભાજપને ૨૫.૭ ટકા મત સાથે ૧૦૭ સીટ મળી
શિવસેનાએ પણ હરખાવા જેવું નથી
૨૦૧૪માં શિવસેનાને ૧૯.૫ વોટ શેર સાથે ૬૩ બેઠક મળી હતી
૨૦૧૯માં ૧૬.૪૧ ટકા વોટ શેર થયો
૭ સીટના નુકસાન સાથે ૫૬ સીટ જીતી
૨૦૧૪માં ૪૭.૬ ટકા વોટ શેર અને ૧૮૫ બેઠક
૨૦૧૯માં ૪૨ ટકા વોટ શેર સાથે ૧૬૩ સીટ કબજે કરી
હરિયાણામાં ૯૦ બેઠકો પૈકી ૪૮ બેઠકો ભાજપને ફાળે હતી
૨૦૧૯માં ૭ બેઠક અને સાડા ત્રણ ટકાના વોટ શેરના ઘટાડા સાથે પક્ષ ૪૦ બેઠકો પર સમેટાયો
બહુમતીથી માત્ર ૬ બેઠકો જ દૂર
ભાજપને દુશ્મન પક્ષ જેજેપીના દુષ્યંત ચૌટાલા સાથે સમાધાન કરવું પડ્યું
ચૌટાલા ૧૦ બેઠક સાથે નિર્ણાયક ભૂમિકામાં
રાષ્ટ્રવાદનું હથિયાર બંને રાજ્યોમાં પાછળ છૂટ્યું
બંને પાર્ટીના વોટ શેર અને સીટોનો સરવાળો કરીએ તો 2014ના 47.6 ટકા વોટ શેર અને 185 સીટોની સરખામણીએ બંને પાર્ટીએ મળીને 42 ટકા વોટ શેર સાથે 163 સીટો મેળવી છે. મહારાષ્ટ્રમાં બંને પક્ષોનો વોટ શેર ત્રણ ત્રણ ટકા જેટલો ઘટ્યો. બંને સાથે મળીને સરકાર બનાવી શકે છે પરંતુ આદત મુજબ શિવસેનાએ પોતાની પીપુડી તો નહીં પરંતુ બ્યુગલ મોટેથી વગાડવાનું શરૂ કર્યું અને અઢી અઢી વર્ષની મુખ્યમંત્રીની ફોર્મ્યુલાની ભાજપને યાદ અપાવી. આવી જ પરિસ્થિતિ ક્યાંકને ક્યાંક હરિયાણામાં થઈ ૯૦ બેઠકો પૈકી ૪૮ બેઠકો ધરાવતી મનોહરલાલ ખટ્ટર સરકાર સાત બેઠકો અને સાડા ત્રણ ટકાના વોટ શેરના ઘટાડા સાથે માત્ર ૪૦ બેઠકો પર સમેટાઇ ગઇ. અને બહુમતીથી માત્ર 6 બેઠકો દૂર રહી ગઈ.
જેના કારણે ભાજપને દુશ્મન પક્ષ જેજેપીના દુષ્યંત ચૌટાલા સાથે સમાધાન કરવું પડ્યું. કારણકે ચૌટાલા ૧૦ બેઠકો સાથે નિર્ણાયક ભૂમિકા ભજવતા અને રાષ્ટ્રવાદનું હથિયાર આ બંને રાજયોમાં પાછળ પડતું લાગ્યું. લોકસભામાં કારગત નીવડેલું રાષ્ટ્રવાદનું હથિયાર રાજ્યોની ચૂંટણીમાં બુઠ્ઠુ સાબિત થયું. આ હથિયારથી બોથડ વાર કરી શકાયા પરંતુ કોંગ્રેસ મુક્ત કરવાના ઘા ન કરી શક્યા. લોકસભામાં તો ભાજપને ફરી બહુમતી મળી પરંતુ રાજ્યોમાં વિધાનસભાના સ્તરે તો ૨૦૧૭ના ગુજરાતના પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટી માટે દરેક રાજ્યમાં વળતા પાણી થયા છે. રાષ્ટ્રવાદનું હથિયાર વિધાનસભાની ચૂંટણીઓમાં બૂઠું સાબિત થયા બાદ હવે હિન્દુવાદ એટલે કે રામ મંદિરનું હથિયાર ફરીથી બહાર કાઢી ચમકાવાશે. કારણ કે આગામી સમયમાં બિહાર, ઝારખંડ અને દિલ્હીની ચૂંટણીઓ આવી રહી છે