વાહન ફ્લિટ આધુનિકરણ પૉલિસી થકી ઓટોમેટીવ ઉદ્યોગોને પ્રેરકબળ પૂરૂ પાડી ગુજરાત દેશને રાહ ચીધશે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

Spread the love

દેશને નવી વ્હિકલ સ્ક્રેપેજ પૉલિસી સમર્પિત કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે દેશના અર્થતંત્ર માટે મોબિલિટી એ અત્યંત મહત્વનું પાસુ છે અને તેમાં આવેલી આધુનિકતા થકી ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટેશનનો બોજો તો ઘટશે જ, સાથોસાથ આર્થિક વિકાસ પણ વધુ ઝડપી બનશે. ૨૧મી સદીમાં ક્લીન, કન્જેશન ફ્રી અને કન્વેનિયન્ટ મોબિલિટી એ સમયની માંગ છે. એટલા માટે પણ આજનું આ પગલું મહત્ત્વનું છે અને તેમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ પ્રતિનિધિઓ-તમામ સ્ટેક હોલ્ડર્સની અગત્યની ભૂમિકા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વોલન્ટરી વ્હિકલ ફ્લિટ મોડર્નાઇઝેશન (વી-વીએમપી) પ્રોગ્રામ અંતર્ગત પહેલી સ્ટેટ ઇન્વેસ્ટર સમિટમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ૭૫મા સ્વાતંત્ર્ય પર્વ પહેલાંના આજના આ કાર્યક્રમને આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્વનું પગલું ગણાવી, નવી સ્ક્રેપેજ પૉલિસીને કચરામાંથી કંચન બનાવવાના અભિયાન સાથે સરખાવી હતી.

આ નવી પૉલિસીને Waste to Wealth – કચરામાંથી કંચન અભિયાનમાં, સરક્યુલર ઇકોનૉમીની મહત્ત્વની કડીરૂપ ગણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે તેનાથી પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણીય સમતુલા જાળવવામાં પણ ઉપયોગી થઈ પડશે. 3R- ‘રિયુઝ, રિસાઇકલ અને રિકવરી’ના મંત્રની મદદથી ઓટોસેક્ટરમાં આત્મનિર્ભરતાને નવી ઊર્જા મળવાની સાથે દેશમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવવાની સાથે ૫૦ હજારથી વધુ રોજગારીની નવી તકોનું નિર્માણ થવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, આ પૉલિસી ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન હેઠળ ઓટો અને મેટલ ઇન્ડસ્ટ્રીને પણ નવી ઊર્જા આપશે. આ પૉલિસીને લાગુ કરીને, ઓટોમોબાઇલ સેક્ટર, ઓટોમોબાઈલ વેસ્ટ મેનેજમેન્ટમાં યોગદાન આપશે, જે સ્વચ્છ ભારત મિશનનો એક ભાગ છે.

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે આ નવી સ્ક્રેપેજ પૉલિસીથી દેશની મોબિલિટીને, દેશના ઓટો સેક્ટરને નવી ઓળખ મળશે. તદુપરાંત, દેશમાં વ્હિકલ પોપ્યુલેશનના મોડર્નાઇઝેશનમાં અને અનફિટ વ્હિકલને વૈજ્ઞાનિક પદ્ધતિથી રસ્તા પરથી દૂર કરવામાં પણ આ પૉલિસીની મહત્ત્વની ભૂમિકા બની રહેશે. એટલું જ નહીં, દેશના પ્રત્યેક નાગરિક, ઇન્ડસ્ટ્રી સેક્ટર અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ હકારાત્મક પરિવર્તન આવશે.

શ્રી મોદીએ જણાવ્યું કે નવી સ્ક્રેપેજ પૉલિસી જાહેર કરવાનો આજનો આ સમય અત્યંત મહત્વનો છે, કારણ કે આપણે આઝાદીના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. એટલા માટે આગામી 25 વર્ષ આપણા માટે વધુ મહત્ત્વનાં બની રહેશે. આ વર્ષોમાં આપણી કામકાજની પદ્ધતિ, રોજગાર, વ્યાપાર કારોબારીમાં અનેક પરિવર્તનો આવશે. નવી ટેકનોલૉજીમાં બદલાવની સાથે દેશના નાગરિકોની લાઇફસ્ટાઇલ અને અર્થતંત્રમાં પણ અનેક ફેરફારો થયા છે. આમ છતાં, પર્યાવરણ, જમીન અને કાચામાલની રક્ષા એટલે કે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો અત્યંત જરૂરી છે.

આજે ટેકનોલૉજી માટે જમીનમાંથી મળતાં રેર મટિરિયલ્સ મહત્ત્વના છે. ભવિષ્યમાં ટેક્નોલૉજિકલ ઇનોવેશન્સ પર કામ થશે, પરંતુ ધરતીમાંથી મળતાં આ ખનીજો નહીં હોય તેમજ અત્યારે જે ખનીજો ઉપલબ્ધ છે, તે પણ ઓછા થઈ જશે. આ માટે અત્યારે ડીપ ઓશન મિશનના માધ્યમથી નવી સંભાવનાઓની શોધખોળ ચાલી રહી છે, તો બીજી તરફ સરક્યુલર ઇકોનોમીને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.

આજે સમગ્ર વિશ્વ સામે ક્લાઇમેટ ચેન્જના પડકારો ઊભા છે, ત્યારે અમારો પ્રયત્ન વિકાસને સ્થિરતા આપવાનો છે. આ માટે અક્ષયઊર્જાની દિશામાં મહત્ત્વની કામગીરી થઈ રહી છે. ખાસ કરીને સૌરઊર્જા, પવનઊર્જા, બાયોફ્યૂઅલમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે. સ્વચ્છતા અને આત્મનિર્ભરતાની સાથે વેસ્ટ એટલે કે કચરાનો પણ મહત્ત્વપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે. આજે રિસાઇકલિંગને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આવા જ પ્રયાસોમાં ઓટોમોબાઇલનું પણ નામ જોડાયું છે. તેનાથી અનેક સામાન્ય પરિવારોને ઘણો ફાયદો થશે.

નવી સ્ક્રેપ પૉલિસી દ્વારા સામાન્ય પરિવારોને થનારા વિવિધ લાભ અંગે વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે પોતાનું જૂનું વાહન સ્ક્રેપમાં આપનારને આ પૉલિસી અંતર્ગત એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જે બતાવવાથી નવું વાહન ખરીદતી વખતે રજિસ્ટ્રેશનની કોઈ રકમ ચૂકવવી પડશે નહીં. ઉપરાંત, રોડ ટેક્સમાં પણ રાહત મળશે. આ સિવાય, નવા વાહનની મેઇન્ટેનન્સ કોસ્ટ, રિપેરિંગ, ફ્યૂઅલ એફિસિયન્સીમાં પણ ફાયદો થશે.

આ સિવાયના અન્ય ફાયદાઓ અંગે શ્રી મોદીએ ઉમેર્યું કે આ પૉલિસીનો ત્રીજો અને મહત્ત્વનો ફાયદો સીધો માનવીના જીવન સાથે જોડાયેલો છે. જૂની ટેક્નોલૉજીવાળા વાહનો સ્ક્રેપમાં જવાથી માર્ગ અકસ્માતોમાંથી પણ મુક્તિ મળશે. નવાં વાહનો થકી પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાના લીધે તે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની રહેશે. આ ઉપરાંત, આ નવી પૉલિસી અંતર્ગત વાહનોનું ફિટનેસ માત્ર તેની ઉંમરના લીધે નહીં, પરંતુ સંપૂર્ણ સાયન્ટિફિક રીતે ચકાસવામાં આવશે.

તેમણે ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આજે અલંગ શિપ રિસાઇકલિંગનું હબ બન્યું છે અને વિશ્વમાં આ ક્ષેત્રમાં અલંગનો હિસ્સો વધી રહ્યો છે. જેના કારણે રોજગારીની નવી હજારો તકો ઊભી થઈ છે. અને હવે જહાજો પછી વાહનોના સ્ક્રેપિંગનું પણ હબ બનશે. પરિણામે, આ દિશામાં નવી ઊર્જા મળશે અને આ વ્યવસાય સાથે જોડાયેલા કામદારોના જીવનમાં અનેક સુધારાઓ આવશે. તેમને પણ સંગઠિતક્ષેત્રના અન્ય કામદારોની જેમ અનેક લાભો મળતા થશે.

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે દેશના ઉદ્યોગોને સસ્ટેનેબલ અને પ્રોડક્ટિવ બનાવવા માટે સતત કામ થઈ રહ્યું છે. ગયા વર્ષે દેશમાં ૨૩ હજાર કરોડ રૂપિયાનું સ્ક્રેપ સ્ટીલ ઇમ્પોર્ટ કરવું પડ્યું હતું. કારણ કે, ભારતમાંથી મળતું સ્ક્રેપ સ્ટીલ ઉપયોગી હોતું નથી. કીમતી ધાતુઓનું રિસાઇકલિંગ થઈ શકતું નથી, પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓની મદદથી રેર અર્થ મેટલનું પણ રિસાઇકલિંગ શક્ય બનશે. દેશમાંથી જ પૂરતો સ્ક્રેપ મળી આવવાના કારણે આયાત પર ઓછા આધારિત રહેવું પડશે. જેનો ફાયદો થશે અને આગામી ૨૫ વર્ષમાં આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં નવો વેગ મળશે.

ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટીની દિશામાં નક્કર આયોજન અંગે તેમણે કહ્યું કે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી સ્ટાન્ડર્ડ માટે દેશ કટિબદ્ધ છે અને બીએસ-૪માંથી બીએસ-૬ ટેક્નોલૉજીનો ઉપયોગ એ આ દિશામાં લેવાયેલું જ એક પગલું છે. ક્લિન અને ગ્રીન મોબિલિટી માટે સરકાર દ્વારા વ્યાપકસ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. આજે ઇથેનોલ, હાઇડ્રોજન ફ્યૂઅલ અથવા ઈલેક્ટ્રિક મોબિલિટીનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ માટે ઔદ્યોગિક ભાગીદારીની પણ એટલી જ જરૂર છે.

આ માટે ઔદ્યોગિક એકમો દ્વારા વૈજ્ઞાનિક ઢબે રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ- આર ઍન્ડ ડીથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રે સહકાર પણ એટલો જ જરૂરી છે અને આ ભાગીદારીને નવા સ્તર સુધી લઈ જવી પડશે. તેના થકી નવી ઊર્જા, નવી ગતિનો સંચાર થશે. આ માટે અમારી સરકાર તમામ સહકાર આપવા માટે કટિબદ્ધ છે.

નવી સ્ક્રેપેજ પૉલિસીને ગુજરાતથી લૉન્ચ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે સરક્યુલર રિફોર્મ એ ગુજરાત માટે નવી બાબત નથી. વર્ષોથી ગુજરાતની વડીલ મહિલાઓ ફાટેલાં કપડાંમાંથી ગોદડાં બનાવતી અને આ ગોદડાં ફાટે એટલે તેનો ઉપયોગ પણ પોતું કરવામાં કરતી આવી છે. હવે, આપણે આ પદ્ધતિને માત્ર વૈજ્ઞાનિક ઢબે આગળ ધપાવવા જણાવી કચરામાંથી કંચન બનાવવાના આ અભિયાનને આગળ લઈ જવા બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, આજનો દિવસ હિન્દુસ્તાનની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસનો ખૂબ જ મહત્વનો દિવસ છે. દેશમાં સૌથી વધુ રોજગારી આપતી, સરકારને સૌથી વધુ ટેક્સ આપતી અને નિકાસને સૌથી વધુ પ્રોત્સાહન આપતી જો કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો તે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી છે. આ ઇન્ડસ્ટ્રીનો હજુ વધુ વિકાસ થાય અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં નવી નીતિઓના સહારે અમે જે આ દેશને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ અને સંપન્ન બનાવવા માંગીએ છે. તેમાં નિશ્ચિતરૂપથી આ ક્ષેત્રની મહત્વની ભૂમિકા અને પ્રદાન છે. તે માટે જ અમે ૨૦૧૮થી અભ્યાસ શરૂ કરી આ પૉલિસી તૈયાર કરી છે.

શ્રી ગડકરીએ કહ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં જે પેરિસ સમિટ યોજાઇ હતી જેમાં અમે પ્રદૂષણ નિયંત્રણના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
ઇકોલોજી અને એન્વાયરમેન્ટ માટે અમે અનેકવિધ પગલાં લઈને ચોક્કસ નીતિઓ ઘડી છે જેમાં વાહનના બીએસ-૪ એન્જિન ઉત્પાદન પર રોક લગાવી બીએસ-૬ એન્જિન ટેકનોલોજીને કાર્યરત કરાવી છે. જે માટે પેટ્રોલિયમ કંપનીઓએ પણ ઘણો સહયોગ આપ્યો છે. પ્રદુષણની સાથે સાથે વાહનોની ફિટનેસ અને રોડ સેફ્ટી પર અમે વિશેષ ભાર મૂક્યો છે. ઈકોનોમી મોડેલમાં પણ અમે રોડ સેફટી માટે એર બેગ ફરજિયાત કરી છે.

શ્રી ગડકરીએ ઉમેર્યું કે, સૌથી મોટી સમસ્યા અમારી એ હતી કે ભારતમાં અંદાજે એક કરોડ ગાડીઓ ફિટનેસ વગર ચાલતી હતી જે પ્રદૂષણની સાથો સાથ અને સેફ્ટીની બાબતમાં પણ નુકશાનકારક છે અને આ જ બાબત સ્ક્રેપેજ પૉલિસી તૈયાર થવા બાબતનું મુખ્ય પરિબળ હતું.

જૂના વાહનો સ્ક્રેપ થતા ૧૦ થી ૧૨ ટકા પ્રદૂષણ ઘટશે. ઓટોમોબાઇલ ક્ષેત્ર સાડા સાત લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે અને આશરે ૩.૭ કરોડ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ક્ષેત્ર રોજગારી પૂરું પાડી રહ્યું છે.

આ પૉલિસીનો પ્રાથમિક માપદંડ વાહનના ફિટનેસ પર નિર્ધારિત કરવામાં આવ્યો છે અને તે માટે જ અમે દેશભરમાં જિલ્લા કક્ષાએ પીપીપી મોડેલથી વાહન ફિટનેસ સેન્ટર ના નિર્માણ માટે રાજકોટ વિશેષ પ્રોત્સાહન પણ પૂરું પાડીશું. આ પૉલિસી થી ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે જેના લીધે વિશેષ બચત થશે. ઉત્પાદન ક્ષેત્રમાં મેટલમાં એલ્યુમિનિયમ સ્ટીલ કોપર પ્લાસ્ટિક સહિતનો વેસ્ટ નીકળશે તેનાથી વાહન ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને રોજગારી પણ વધશે. જે નવા વાહનોનું ઉત્પાદન થશે તે રોડ સેફ્ટી નિયમોને લીધે નાગરિકોને સુરક્ષા પૂરી પાડશે અને કાચા માલની કિંમતોમાં ઘટાડો થવાને કારણે વાહનો સસ્તા મળશે. કિંમતમાં ઘટાડો થવાને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સંશોધન ક્ષેત્રે નવી સ્પર્ધાઓ થશે પરિણામે નિકાસ વધશે, સરકારને ફાયદો થશે અને રોજગારી પણ વધશે. ઉત્પાદન વધતા સરકારને જીએસટીમાં ૩૦થી ૪૦ હજાર કરોડનો ફાયદો થશે. નવા વાહનોની ખરીદીમાં પાંચ ટકાની છૂટ મળશે. જિલ્લામાં જ સ્ક્રેપિંગ સેન્ટર અને ફિટનેસ સેન્ટર નિર્માણ પામશે પરિણામે માલીકોએ વ્હિકલ સ્ક્રેપ કરવા વધુ દૂર નહીં જવું પડે. આ પૉલિસીથી અલંગ ખાતે ઈન્ટિગ્રેટેડ રિસાયક્લિંગ હબ બનશે. પાંચ વર્ષમાં ભારતને રિસાયક્લિંગ ક્ષેત્રે હબ બનાવવાનું લક્ષ્યાંક છે.

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ વાહન ફ્લિટ આધુનિકીકરણ પૉલિસીના નવતર આયામને આવકારતા કહ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસ માટે જે મજબૂત પાયો નાખ્યો છે અને એમના બતાવેલા માર્ગ પર ગુજરાતના વિકાસને આગળ લઇ જવા માટે અમારી સરકાર પ્રતિબધ્ધ છે અને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવામાં આ પ્રયાસ ચોકકસ નવી દિશા આપશે.

મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યુ કે, વૈશ્વિક મહામારી કોવિડ મા સમગ્ર વિશ્વ મંદી મા હતુ તો ગુજરાતે એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ દરમિયાન ભારતમાં કુલ FDI ના ૩૭% હિસ્સા સાથે સૌથી વધુ ૧. ૬૨ લાખ કરોડ રૂપિયાની FDI હાંસલ કરી છે જે અમારી સરકારની દૂરંદેશિતાના પરિણામે શકય બન્યુ છે.

તેમણે ઉમેર્યુ કે,ગુજરાત ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ છે જેના પરિણામે ટાટા, ફોર્ડ, હોન્ડા, સુઝુકી જેવી ઘણી મોટી કંપનીઓ અને બીજી ઘણી મોટી ઉત્પાદન કંપનીઓ ગુજરાતમા છે. રાજયના વધી રહેલ વિકાસના પરિણામે મોટા ઓટોમોટિવ ઉત્પાદકોની હાજરી તેમજ રાજ્યમાં નોંધાયેલા વાહનોની સંખ્યામાં ભારે વધારો થયો છે.પર્યાવરણના જતન માટે આજે એ જરૂરી બની ગયું છે કે વપરાયેલા વાહનોને સ્ક્રેપ કરવા અને તેના માટે સુવિધાઓ વિકસાવવી એ માટે આપણે પ્રયાસો કરવા પડશે. આ માટે અમારી સરકાર ચોકકસ આગળ આવીને દેશને રાહ ચીધશે.

તેમણે કહ્યુ કે,આ નીતિ ઓટોમોટિવ ઉદ્યોગના અર્થતંત્ર ને મજબૂત કરવાનુ કામ કરશે અને જૂના અને ખામીયુક્ત વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો કરશે.સાથે સાથે ભારતની આબોહવા પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.

મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યુ કે,દેશમાં નવા બિઝનેસ મોડલને નવી દિશા આપીને મહત્વનુ પ્રદાન પુરૂ પાડશે અને જે સામગ્રીના પુનઃ ઉપયોગ અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપશે.આજે ભારતના રજિસ્ટર્ડ વાહનોમાંથી ૯% ગુજરાતમાં છે.વિશ્વના બીજા સૌથી મોટા શિપ રિસાયક્લિંગ યાર્ડ પણ અલંગ ખાતે કાર્યરત છે જયા પહેલેથી જ વાહનોની સ્ક્રેપિંગ અને રિસાયક્લિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે. જેથી ગુજરાત હાલની ઇકોસિસ્ટમનો લાભ લેવા અને રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધાઓ અને સ્વચાલિત માવજત કેન્દ્રો વિકસાવવા અને સ્થાપવા માટે રોકાણ આકર્ષવાનો પ્રયાસ છે આ માટે પરિવહન વિભાગ આ નીતિના સફળ અમલીકરણમાં અગ્રણી ભૂમિકા ભજવશે. આજની આ ઇવેન્ટના લીધે ગુજરાત વાહન સ્કિપિંગ નીતિના અમલીકરણમાં પણ ભારતનું અગ્રણી રાજ્ય બનશે.

મુખ્યમંત્રીશ્રી એ વાહન ફ્લિટ આધુનિકીકરણ કાર્યક્રમ પર આ સમિટ આયોજીત કરવા માટે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીનો આભાર માનતા કહ્યુ કે, આ પ્રકારની પ્રથમ રોકાણકાર સમિટ ગુજરાતમા યોજીને યુએસએ અને યુરોપિયન દેશો જેવા ભારતમાં રસ્તા જેવા જટિલ માળખાને વિકસિત કરવાનું મહાન કામ કર્યું છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાત ધોલેરા એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ ના પરિણામે રાજયમા વિકાસના નવા દ્વાર ખુલ્યા છે.ધોલેરા એક્સપ્રેસ વે કોરિડોર ધોલેરામાં ટકાઉ ઓદ્યોગિક વિકાસની ઘણી નવી સુવિધાઓ ઉભી થશે એટલુ જ નહી રોજગારીની વ્યાપક તકો પણ ઉપલબ્ધ થશે..રાજય સરકારના સતત પ્રયાસો અને નવી રોજગારલક્ષી નીતિઓને કારણે ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં રાજ્યનો બેરોજગારી દર ૧.૮ ટકા સુધી લાવવામાં સફળ રહ્યા છીએ. જેના પરિણામે ગુજરાતનો આ બેરોજગારી દર ભારતીય રાજ્યોમાં સૌથી ઓછો છે.

મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યુ કે, તાજેતરમાં રાજય સરકારે ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પૉલિસી અને ગુજરાત ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ એન્ડ લોજિસ્ટિક્સ પાર્ક પૉલિસી લાગુ કરી છે.વિકાસની સાથે આ નીતિઓ પર્યાવરણને અનુકૂળ ટેક્નોલોજી,કાર્યક્ષમ લોજિસ્ટિક્સના વિકાસમાં અને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ અને રિસાયક્લિંગ માટે પસંદગીનું કેન્દ્ર બનાવવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું ઓટો માર્કેટ છે. ભારતમાં અત્યાર સુધીમાં રજિસ્ટર્ડ વાહનોની સંખ્યા લગભગ ૨૭૩ મિલિયન છે. આમાંથી ૨૦૨૫ સુધીમાં ૨૮ મિલિયન વાહનો રદ કરી શકાય એમ છે. હાલમાં, ભારતીય સ્ટીલ ઉદ્યોગ વાર્ષિક ધોરણે લગભગ ૬ થી ૭ મિલિયન ટન સ્ટીલ સ્ક્રેપની આયાત કરે છે. સ્ક્રેપ સ્ટીલ ઉદ્યોગ જૂના વાહનોના સ્ક્રેપ સ્ટીલને રિસાયક્લિંગ કરીને આ સ્ટીલની આયાત ઘટાડવામાં રાજય સરકાર પ્રયાસ કરશે. આ સંયુક્ત પહેલ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે અને સાથે સાથે તે વૈશ્વિક ઓટોમોબાઈલ રિસાયક્લિંગ માર્કેટમાં ભારતની સ્થિતિને પણ ફરીથી વ્યાખ્યાયિત કરશે.

સડક પરિવહન મંત્રાલયના સચિવ શ્રી ગિરિધર અરમાનેએ નવી વેહિકલ સ્ક્રેપિંગ પૉલિસીના મહત્વના અંશો અને પ્રેસન્ટેશન રજુ કરતા કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતની દિશામાં રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવામાં આ પૉલિસીનું મહત્વનું યોગદાન રહેશે. આ વેહિકલ સ્ક્રેપિંગ પૉલિસીમાં ‘વેહિકલ એજ’ ને બદલે ‘વેહિકલ ફિટનેશ’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ વેહિકલ સ્ક્રેપિંગ પૉલિસીમાં વેહિકલ સ્ક્રેપ કરવાથી લઈને નવા વાહનની ખરીદી સુધી વાહન માલિકોને વધુ ફાયદો થશે.

શ્રી ગિરિધરે ઉમેર્યું હતું કે આ પૉલિસીના અમલથી ગુજરાતને ઘણો ફાયદો થશે. વિશ્વમાંથી સ્ક્રેપ વેહિકલસ ગુજરાતના અલંગ અને કંડલા બંદરોએ આવશે અને અહીં બહોળી રોજગારીનું પણ સર્જન થશે. અલંગ વેહિકલ સ્ક્રેપ ક્ષેત્રે હબ તરીકે નિર્માણ પામશે. આ પૉલિસી અંતર્ગત મોર્ડન અને ઓર્ગેનાઈઝ્ડ વેહિકલ સ્ક્રેપિંગ તેમજ ટેસ્ટિંગ સેન્ટર સ્થપાશે. આ સમગ્ર વેહિકલ સ્ક્રેપિંગ ફેસીલિટીને વાહન પોર્ટલ સાથે સાંકળી સિંગલ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ પૂરી પડાશે તેમ શ્રી ગિરિધરે ઉમેર્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સ્વૈચ્છિક વ્હિકલ ફલીટ આધુનિકરણ પ્રોગ્રામ (વીવીએમપી) વાહન સ્ક્રેપેજ ઈકોસિસ્ટમ બનાવવા માટેની માર્ગદર્શિકાનું વિમોચન કરવા આવ્યું હતું. ગુજરાત સરકાર અને ખાનગી કંપનીઓ વચ્ચે વિવિધ ક્ષેત્ર માટેના ૬ અને આસામ અને ગુજરાત સરકાર વચ્ચે એક એમ કુલ ૭ એમ.ઓ.યુ. થયા હતા.

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે પોતાના પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું ઈકોનોમિક એન્જિન છે. વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ દરમ્યાન એફ.ડી.આઈ. ગ્રોથ ૧૦ ગણો વધ્યો છે. ઈન્ડિયા સ્ટાર્ટઅપમાં પણ રાજ્યમાં સર્વોત્તમ કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ૨૦થી વધુ બિઝનેસ ઇન્વાયર્નમેન્ટ પૉલિસી ઘડવામાં આવી છે. ગુજરાત મૂડીરોકાણ કરવાનું ઉત્તમ સ્થળ છે કારણ કે ગુજરાતમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, ગેસ, રેલવે, ટ્રાન્સપોર્ટ જેવી વિવિધ સુવિધાઓ સાથે સાથે નવી ઇન્ડસ્ટ્રીયલ પૉલિસી ૨૦૨૦ અંગે પણ તેમણે વિસ્તૃત વાત કરી હતી.

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી. ફળદુ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ શ્રી કે.કૈલાસનાથ, ગુજરાત મેરિટાઈમ બોર્ડના સીઈઓ શ્રી અવંતિકા સિંધ, વાહન વ્યવહાર કમિશનર શ્રી એલ.પી.પાડલિયા, કેન્દ્ર સરકાર પરિવહન વિભાગ સચિવ શ્રી પ્રદિપ ત્રિપાઠી સહિત આમંત્રિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com