વાર્તા: હેલ્લારોની વાર્તા કચ્છમાં વર્ષ 1975ની આસપાસ આકાર લેતી કથા છે. સતત દુષ્કાળનો સામનો કરીને થાકી ગયેલા ગામના લોકો હવે તો બસ માતાજીના ભરોસે છે. ગામની જીવનશૈલીની વાત કરીએ તો પુરૂષપ્રધાન વ્યવસ્થા છે. ગામની સ્ત્રીઓને ગરબા કરવાની પણ છૂટ નથી. તેઓ પોતાનો લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી. એવામાં તેમના ખારા રણ પ્રદેશમાં જીવનમાં મીઠી વિરડી બનીને આવે છે એક ઢોલી. જેમના તાલ પર ગામની સ્ત્રીઓ મન મુકીને ઝુમી ઉઠે છે. બસ પછી તો વાર્તામાં આવે છે અનેક વળાંકો. ફિલ્મની વાર્તા, સંગીત એકદમ રસપ્રદ અને તમને જકડી રાખે તેવી છે.
સંગીત: ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થયું ત્યારથી જ તે લોકોની પસંદ બની રહ્યું છે. ફિલ્મના તમામ ગીતો, બેકગ્રાઉન્ડ સ્કોર ખૂબ જ સરસ છે. કર્ણપ્રિય એવા આ ગીત તમને ગણગણવા ગમે તેવા છે. ફિલ્મનું મ્યુઝિક વાર્તાને વેગ આપવામાં મદદ કરે છે. સાથે જ એ પરંપરાગત ટચ આપવામાં પણ મેહુલ સુરતી સફળ રહ્યા છે.
સંસ્કૃતિનો ધબકાર: ફિલ્મમાં કચ્છની સંસ્કૃતિના ધબકારને ખૂબ જ સારી રીતે ઝીલવામાં આવ્યો છે. પહેરવેશ, બોલચાલની લઢણથી લઈને રહેણીકહેણી ખૂબ જ સારી રીતે બતાવવામાં આવી છે. કચ્છ અને તેની સંસ્કૃતિ ફિલ્મમાં સારી રીતે ઉજાગર કરવામાં આવી છે.
અભિનય: ફિલ્મના કલાકારોનો અભિયન ખૂબ જ સરસ છે. જયેશ મોરેનો અભિનય ઉમદા છે. તમામ અભિનેત્રીઓ અને અભિનેતાઓ પણ પોતાની છાપ છોડી જાય છે. તમામ કલાકારોએ ખૂબ જ મહેનત કરી છે. કચ્છના રણમાં બળબળતા તાપમાં તેમણે શૂટિંગ કર્યું છે, અને તેમની મહેનત રંગ લાવી છે. મૌલિક નાયક, આર્જવ ત્રિવેદી, કૌશાંબી ભટ્ટ, શ્રદ્ધા ડાંગર, તેજલ પંચાસરા સહિતા આખી કાસ્ટે ખૂબ જ સારું ગામ કર્યું છે.
ગરબા: ગરબા એ ગુજરાતીઓની મુખ્ય ઓળખ છે. ત્યારે આ ફિલ્મમાં ગરબા ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યા છે. ટ્રેડિશનલ સ્ટેપ્સ સાથે જે કોરિયોગ્રાફી કરવામાં આવી છે તે ખૂબ જ સરસ છે. ફિલ્મમાં ગરબા જોઈને તમને પણ ગરબા કરવાનું મન ચોક્કસથી થશે.