GJ-18 મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થગિત રહેલી ચૂંટણી અને ઓખા, થરા, ભાણવડ એમ ત્રણ નગરપાલિકાની સામાન્ય- મધ્યસત્ર ચૂંટણી એકાદ સપ્તાહમાં જાહેર કરવા રાજ્ય ચૂંટણી આયોગે તૈયારી આરંભી છે. પાંચમી સપ્ટેમ્બર બાદ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ખાલી પડેલી ૧૧૨થી વધુ બેઠકો માટે પેટાચૂંટણી પણ જાહેર થશે.
વર્ષના અંતે ગુજરાતમાં સૌથી વધુ વ્યાપક સ્તરે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની છે.
રાજ્ય ચૂંટણી આયોગ ડિસેમ્બરમાં ૧૦,૩૦૦થી વધુ સરપંચો અને પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ કરી શક્યુ નથી. કોરોનાના કારણે પાંચ મહિના અગાઉ માર્ચમાં GJ-18 કોર્પોરેશનની સ્થગિત કરાયેલી ચૂંટણી અને મહિના અગાઉ ત્રણ પાલિકામાં વિલંબ માટે મેળવેલી છુટછાટને કારણે તંત્ર ઉપર ભારણ વધી રહ્યુ છે. આથી, રાજ્ય ચૂંટણી આયોગ કોઈ પણ હિસાબે દશેરા પહેલા તાલુકા- જિલ્લા પંચાયતોની પેટાચૂંટણીઓથી લઈને સ્થગિત રખાયેલી પાલિકાઓની ચૂંટણીઓ પૂર્ણ કરવા આગળ વધી રહ્યુ છે. એકાદ સપ્તાહમાં ગાંધીનગર, ઓખા, થરા, ભાણવડ પાલિકાઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે.
કોરોનાની સેકન્ડ વેવને કારણે મતદાનને આડે ૧૨ દિવસ પહેલા જ ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી સ્થગિત રહી હતી. ત્યારબાદ GJ-18 માં ૪૪ વોર્ડમાંથી બે વોર્ડમાં એક આમ આદમી પાર્ટી, એક બહુજન સમાજવાદી પાર્ટી અને એક અપક્ષ એમ ત્રણના મૃત્યુ થયા છે.GJ-18 માં આ બે વોર્ડમાં નવેસરથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાથે ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે. ઓખા અને ઔથરા નગરપાલિકામાં સામાન્ય ચૂંટણીઓ યોજવાની છે. જ્યારે ભાણવડ નગરપાલિકામાં મધ્યસત્ર ચૂંટણી યોજાશે.