સરકારે ૬ નવેમ્બરે પરિપત્ર કરી અમદાવાદ શહેર સહિત રાજ્યમાં હોટેલ-રેસ્ટોરેન્ટના રસોડા આગળ નો-એન્ટ્રીના બોર્ડ ઉતારી લેવાનો આદેશ કર્યો હતો સાથે કીચનમાં ગ્રાહકો પ્રવેશી શકે તેની છુટ આપી હતી જેની સામે શનિવારે હોટેલ માલિકોએ વિરોધ નોંધાવ્યો છે.
શહેરની રેસ્ટોરેન્ટના ફુડમાં વંદો સહિતની જીવાતો નીકળવાની ફરિયાદો સામે આવી હતી. સરકારે હોટલોના કીચનમાં સ્વચ્છતા અંગે ચેકિંગ કરવા અને ગ્લાસના દરવાજા રાખવાના આદેશ સામે હોટલ માલિકોએ વિરોધ દર્શાવ્યો છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિયમ મુદ્દે GCCIમાં શનિવારે યોજાયેલી હોટલ માલિકોની મીટિંગમાં હોટલોના સંચાલકોએ નારાજગી દર્શાવી છે. ગ્રાહકોને હાઈજેનિક ફુડ મળી રહે તે માટે નિયમો ઘડીને કડક અમલ કરવો જોઈએ.
હોટલના કીચનમાં ગ્રાહકો પ્રવેશે તો હોટલમાં બનાવાતી વાનગીઓની રેસીપીની પ્રાઈવસીના પ્રશ્નો સર્જાય, ગ્રાહકોની સુરક્ષાની જવાબદારી કોની ?, નવા નિયમનો દુરૂપયોગ કરીને માલિકોને હેરાન કરવાની, સ્ટિંગ ઓપરેશન અને બ્લેકમેઈલિંગના કિસ્સા વધવાની શક્યતા છે, કીચનમાં ગંભીર બિમારી ધરાવતી વ્યક્તિ પ્રવેશે તો શું ?, કીચન અને હોલની વચ્ચે કાચનો દરવાજો કે બારી મૂકવામાં મુશ્કેલી પડે તેમ છે, વગેરે મુદ્દા અંગે ચર્ચા હાથ ધરાઈ હતી.
લોકોને હોટલના કિચનમાં પ્રવેશ આપવા મામલે હોટલના સંચાલકો દ્વારા GCCIના હોદ્દેદારો સમક્ષ રજુઆત કરશે અને આ મુદ્દે હોટલ સંચાલકોની મુશ્કેલીઓ અંગે રાજ્ય સરકારને વાકેફ કરીને નવા નિયમમાં સુધારો કરવા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવશે.