ભારત દેશ તેની વિવિધતાઓના કારણે વિખ્યાત છે. દરેક રાજ્યના દરેક ગામમાં એક આગવી વિશેષતા રહેલી છે. ખાણી-પીણીની બાબતમાં પણ આપણો દેશ ખુબ જ આગળ છે, પણ મુખ્ય રીતે જોવા જઈએ તો આપણો ભારત દેશ તેની સંસ્કૃતિના કારણે જગવિખ્યાત છે.
ભારત દેશની આવી જ એક વિશેષતા તરીકે આપણા દેશનો “ભીમ” ઓળખાય છે. આપણે વાત મહાભારતના ભીમની નથી કરી રહ્યા પરંતુ વાત કરીએ છીએ “ભીમ”નામના એક પાડાની જેને પાલવવા માટેનો એક મહિનાનો ખર્ચ એક લાખ કરતા પણ વધારે છે.
જાણીને નવાઈ લાગેને કે એક પાડા પાછળ કોઈ એક મહિનાનો એક લાખ કરતા પણ વધુ ખર્ચ શા માટે કરતુ હશે? પણ એજ આ પાડાની વિશેષતા છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
હાલમાં જ રાજસ્થાનની અંદર આવેલા પુષ્કરમાં દુનિયાનો સૌથી મોટો પ્રાણી મેળો યોજાયો જેની અંદર એક પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. “ભીમ” નામનો આ પાડો પોતાની કદકાઠીને લઈને લોકોને આકર્ષી રહ્યો હતો તેને જોવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યા હતા.
જોધપુરના રહેવાસી જવાહર જહાંગીરનો આ પાડો હતો જેની કિંમત 15 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી છતાં પણ જવાહર જહાંગીરે એ પાડાને વેચ્યો નહોતો. 2016માં આ પાડાની કિંમત 60 લાખ રૂપિયા બોલાઈ હતી છતાં પણ તેના માલિકે એ સમયે પણ પાડો વેચવાની ના પાડી હતી. કારણ કે તે “ભીમ”ને વેચવા નથી માંગતા.
જવાહર જહાંગીર સાથે વાત કરતા માલુમ પડ્યું કે આ પાડાને સાચવવાનો માસિક ખર્ચ 1 લાખ કરતા પણ વધારે છે કારણકે “ભીમ”ને રોજનું એક કિલો ઘી, 500 ગ્રામ માખણ, મધ, દૂધ અને કાજુ-બદામ ખવડાવવામાં આવે છે તેમજ 1 કિલો સરસવના તેલથી તેની રોજ માલીસ પણ કરવામાં આવે છે. તેને દેખભાળ કરવા માટે તેના માલિકે 4 માણસો પણ રાખ્યા છે.
મુર્રા પ્રજાતિના આ પાડાની ઉંમર 6 વર્ષ છે. તેનું વજન 1300 કિલોગ્રામ અને ઊંચાઈ 6 ફૂટ તેમજ લંબાઈ 14 ફૂટ છે. જે પોતાની ઉંમરના બીજા પાડાઓ કરતા પણ એકદમ વિશાળકાય દેખાઈ રહ્યો છે.
આ પાડાનો ઉપયોગ ભેંસને ગર્ભધારણ કરાવવામાં થાય છે જેના કારણે વધુ દૂધ આપનાર ભેંસોની ઓલાદ મેળવી શકાય. રાજસ્થાનના પુષ્કરમાં યોજાતા આ પશુ મેળામાં વિવિધ પ્રકારના પ્રાણીઓ આવતા હોય છે પરંતુ આ વર્ષે “ભીમ”નામનો આ પાડો સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો.