દાહોદમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દાહોદમાં એક યુવકને કિન્નરોએ સરઘસ કાઢીને માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો. આ યુવકને લઇને કિન્નરોના આક્ષેપ છે કે, યુવક બે-ત્રણ દિવસથી તેમની કમાણી બાબતે કેટલાક સવાલો પૂછી રહ્યો છે. હિંમતનગરમાં રહેતા અને પંચરની દુકાન ધરાવતા રિયાઝઅલી નામના મુસ્લિમ યુવકની હિંમતનગરના એક કિન્નર સાથે આંખ મળી ગઈ હતી અને તેથી તેણે થોડા સમય પછી કિન્નરની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી બંને થોડો સમય સાથે રહ્યા અને ત્યારબાદ બંને રાજીખુશીથી છૂટા પડી ગયા હતા. એક દિવસ હિંમતનગરના કિન્નરે રિયાઝઅલી સામે દાહોદના કિન્નર સંઘમાં ભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી રિયાઝઅલી તેની બહેનના ઘરે રહીને દિવસ દરમિયાન કિન્નર સંઘની મુલાકાત કરીને તેની સાથે સંબંધ ધરાવતા કિન્નરને પોતાના સંઘના સામેલ કરવાની વાત કરતો હતો.
જોકે, દાહોદના કિન્નર સંઘે રિયાઝઅલીને બેથી ત્રણવાર ધક્કા ખવડાવ્યા અને પછી 11 નવેમ્બરના રોજ દર્પણ ટોકિઝ પાસે મળવા માટે બોલાવ્યો હતો. જ્યારે રિયાઝઅલી દર્પણ ટોકિઝ પાસે કિન્નરોને મળવા માટે ગયો હતો ત્યારે કિન્નરો એકઠા થઈ ગયા હતા અને રિયાઝઅલીને રીક્ષામાં બેસાડીને ગોદીરોડ ખાતે લઇ ગયા હતા અને ત્યાેથી ઓવરબ્રિજથી સ્ટેશન રોડ થઈને સરસ્વતી સર્કલથી દાહોદ પોલીસ સ્ટેશન સુધી રિયાઝઅલીનું કિન્નરોએ સરઘસ કાઢ્યું હતું અને માર મારતા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે કિન્નરોએ રિયાઝઅલી સામે આક્ષેપો કર્યા હતા કે, આ ભાઈ અમને ત્રણ દિવસથી અમને અમારી કમાણી કેટલી છે, ટોલ ટેક્સ ઉપર કેટલા લો છો અને તમે કોઈને ત્યાં શુભ પ્રસંગે જાવ તો ત્યાંથી કેટલા પૈસા લો છો તેવી માહિતી પૂછતો હતો. એટલે આ યુવકની પોલીસ દ્બારા ધરપકડ કરવામાં આવે તેવી અમારી માગ છે. જોકે, રિયાઝઅલીએ કિન્નરોએ તેને મળવા માટે બોલાવીને ખોટી રીતે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે.