હૉમગાર્ડના સસ્પેન્ડેડ સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલની હકાલપટ્ટી કરવામાં આવી છે. ઑફિસ ઑફ ડાયરેક્ટર જનરલ સિવિલ ડિફેન્સ અને હૉમગાર્ડ વિભાગે તેમની હકાલપટ્ટી કરી છે. બ્રિજરાજસિંહ ગોહિલ સામે પૈસાની લેતીદેતી અને અપહરણની ફરિયાદ થઈ હતી. આ બાબતે તેમણે વિભાગને યોગ્ય ખુલાસો ન કરતા તેમને બરતરફ કરાયા છે. બ્રિજરાજસિંહ ગોહિલ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે 21 સપ્ટેમ્બરના રોજ રોજ જીતેન્દ્ર પટેલ નામના વ્યક્તિએ અપહરણની ફરિયાદ નોંધવી હતી. જે મામલે વિભાગ દ્વારા હૉમગાર્ડ કમાન્ડન્ટ અમદાવાદ શહેર પશ્ચિમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કમાન્ડન્ટના રિપોર્ટમાં બ્રિજરાજસિંહ ગોહિલના વ્યવહારને કારણે હૉમગાર્ડની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચ્યું હોવાનો ઉલ્લેખ કરી તેમને બરતરફ કરવામાં આવ્યાં છે. આ મામલે વિભાગ તરફતી બ્રિજરાજસિંહ ગોહિલને યોગ્ય ખુલાસો કરવા નોટિસ આપવામાં આવી હતી.
બ્રિજરાજસિંહ ગોહિલ સામે અપહરણ અને ધમકીની ફરિયાદ
હોમગાર્ડના (Homeguard) સસ્પેન્ડેડ સિનિયર કમાન્ડન્ટ (Senior Comandant) બ્રિજરાજસિંહ ગોહિલે પૈસાની લેતી દેતીમાં યુવકનું અપહરણ (Kidnapping) કરી ધમકી આપી હતી. પીડિત યુવકના શેઠ પાસેથી પૈસા લેવાના હોવાથી ગોહિલે યુવકને બોલાવી કારમાં બેસાડી દીધો હતો. યુવકને સાણંદ હાઈવે પર લઈ ગયા બાદ આંબાવાડી સર્કલ પર છોડી ગોહિલ નાસી ગયા હતા. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે (Police) બ્રિજરાજસિંહ સહિત 3 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
જીવથી મારી નાખવાની ધમકી
આ ઘટના બાદ આરોપી બ્રિજરાજસિંહ જીતેન્દ્ર પટેલ નામના યુવકને કારમાં બેસાડી નેહરુનગર થઈ સાણંદ હાઈવે પર લઈ ગયા હતા. એક તબક્કે ગોહિલે તેમની રિવૉલ્વર કારના ડૅશબૉર્ડ પર મૂકી દીધી હતી. જીતેન્દ્રના ફોન પર ઑફિસના કર્મીનો ફોન આવે તો ઑફિસે પરત આવતાં 4 દિવસ લાગશે તેમ કહી દેવા જણાવ્યું અને ફોન તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત ગોહિલે સાણંદ પહોંચ્યા બાદ જીતેન્દ્રને કહ્યું હતું કે તારા શેઠ અશ્વિનસિંહ સરવૈયા પાસેથી પૈસા લેવાના છે. થોડીવાર બાદ તેઓ કારમાં જીતેન્દ્રને આંબાવાડી સર્કલ ઉતારી ગયા હતા અને આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.