ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોર માટે સૌથી મોટો પડકાર કોંગ્રેસના સંગઠનમાં પ્રાણ ફૂંકવાનો છે. અનેક જિલ્લાઓમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ફરી વળેલી હતાશા, નિરાશા ઉપરાંત નિષ્ક્રિયતાને દુર કરવાની સાથો સાથ લોકો સંપર્ક તથા ગોડફાધર બનીને મહાલતા નેતાઓઓને કાબૂમાં લેવાની કવાયત કરવાની રહે છે.
કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ નવા પ્રમુખ કોંગ્રેસના સંગઠનમાં ધરમૂળથી પરિવર્તન કરવાના મૂડમાં છે.
વર્ષોથી કોરાણે મૂકાયેલા કાર્યકરો અને નેતાઓને ફરીથી કામે જોતરવાના પ્રયાસો કરવામાં આવશે. ઉપરાંત યુવાન ચહેરાઓને પણ નવા સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.
ચૂંટણી ટાણે ટીકીટોની વહેંચણીમાં અનેક પ્રકારનાં ત્રાગાં કરીને ટીકીટો મેળવવા માટે અધીરા થતાં ગોડફાધરો પર ગાજ પડવાની છે. ખાસ કરીને કોંગ્રેસ માટે સતતને સતત સંઘર્ષ કરી રહેલા કાર્યકરોની ગાડીને પાટે ચઢાવવા માટેનાં પ્રયાસો કરવામાં આવશે. આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનનનાં માળખાની ગોઠવણ કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતના જિલ્લા અને શહેર પ્રમુખોની નવેસરથી નિમણૂંક કરવામાં આવશે.
નવી નિમણૂંકોમાં જગદીશ પટેલ ઉપરાંત કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલ સાથે પણ મસલત કરવામાં આવનાર છે અને ત્યાર બાદ સ્ટેપ બાય સ્ટેપ સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવશે. હાલ હાર્દિક પટેલ દિલ્હીમાં છે અને કોંગ્રેસના નેતાઓ સાથે ગુજરાતના સંગઠનની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે.