પાટનગરનાં જુદા જુદા વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ, વેગ પકડવાના અણસાર આવી રહ્યા છે. આગામી સપ્તાહથી શહેરનાં વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશનો પુનઃ પ્રારંભ થવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. જે આગામી કેલેન્ડર વર્ષનાં પ્રથમ મહિનાનાં પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહેવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જાે કે, રાહદારીઓ માટે આશીર્વાદરૂપ ચા ના ગલ્લાઓ જેવા નાના વેપારીઓને હટાવીને, જાણે હવેલી જેવા દબાણો હટાવ્યા હોય એવો સંતોષ પ્રાપ્ત કરીને, દબાણ તંત્ર પુનઃ કુંભકર્ણ નિદ્રામાં પોઢી જશે એવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સવારથી કઠોર પરિશ્રમ કરીને સાંજ સુધી પેટિયુ રળવા માટે નાના નાના રોજગારો ઉપર નભી રહેલા કેટલાક લારી ગલ્લાધારકોને ખસેડવા માટે જે.સી.બી. જેવા મહાકાય તંત્રને તો એક ફૂંક મારવા સમાન હોય છે. જાે કે, આ મહાકાય તંત્રને ઘોળીને પી જતા હવેલી જેવા દબાણ સામે, તંત્ર ચૂપકીદી સેવી રહ્યુ હોવાની બાબત પણ ઉડીને આંખે વળગે એવી તો છે જ. એકદમ નાના અને સાંજે પોતાના માલસામાન સાથે ઘરે જતા રહેતા નાના વેપારીને કનડગત કરવાને બદલે, પાકા દબાણ કરીને અડીંગો જમાવી દેનારા હિપોપોટેમસ જેવા વિરાટ વ્યક્તિત્વ સામે દબાણતંત્ર વામણુ પુરવાર થઈ રહ્યુ હોવાની ચર્ચા પણ નગરજનોમાં વહેતી થઈ છે. સમગ્ર શહેરમાં એક સમાન નીતિ રાખવાને બદલે, નાના દબાણકર્તાઓને વધુ પડતુ ભોગવવાનો વખત આવતો હોવાની બાબત પણ ચર્ચાનો વિષય બનવા પામી છે.
લાંબા સમયથી શાંત રહેલુ દબાણતંત્ર હવે પુનઃ આળસ મરડીને બેઠુ થઈ રહ્યુ હોય એવી પ્રતીતિ થઈ રહી છે. ત્રણેક વર્ષ પહેલા પાટનગરનાં ધમધમતા ગણાતા કોમર્શીયલ વિસ્તાર સેકટર-૧૧ ખાતે વાણિજય કોમ્પ્લેક્ષનાં દબાણો ઉપર તંત્રએ લાલ આંખ કરી હતી. જાે કે, વિવિધ કોમ્પ્લેક્ષનાં પાર્કિંગ એરીયા ખોલવા માટે નોટીસ આપીને સંતોષ માની બેઠેલા દબાણ તંત્રએ, પોતાના દ્વારા જ નાંખવામાં આવેલા સિમેન્ટ બ્લોક પણ, દબાણ ગણીને હટાવી દેવાતા નગરજનોમાં આશ્ચર્યનું મોજુ ફરી વળ્યુ હતુ.
પાટનગરનાં પેધા પડી ગયેલા, હવેલી જેવા મોટા દબાણકર્તાઓ અને મોટા મોટા ખેરખાંઓ સામે બે પગ વચ્ચે ઘૂસી જતી દબાણ તંત્રની પૂંછડી, નાના દબાણકર્તાઓ સામે ઉંચી કેમ થઈ જાય છે એ યક્ષપ્રશ્ન બની રહ્યો છે.