રાફેલ મુદ્દે ફેરવિચારની તમામ અરજીઓ આજે ગુરૂવારે સવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં કેન્દ્ર સરકારને મોટી રાહત મળી હતી. રાફેલ વિમાનના સોદા અંગે સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણ સહિત બીજા કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે આ સોદા અંગે પુનર્વિચાર કરવામાં આવે. આ લોકોએ એવી શંકા વ્યક્ત કરી હતી કે આ સોદામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો. સુપ્રીમ કોર્ટે તમામ અરજી નકારી કાઢી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે એમ જોસેફની બેન્ચે આ અરજીઓ હાથ ધરી હતી. અરજદારોએ કહેવાતા લીક દસ્તાવેજોના આધારે એવો આક્ષેપ કર્યો હતો કે સંરક્ષણ મંત્ર્યાલયને વિશ્વાસમાં લીધા વિના વડા પ્રધાન કાર્યાલયે આ સોદો કર્યો હતો અને એેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવે છે. વિમાનની કિંમત અંગે પણ કોર્ટમાં અરજી કરાઇ હતી. પોતાના અગાઉના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે નક્કર પુરાવા વિનાની કોઇ વાત સુપ્રીમ કોર્ટ સ્વીકારશે નહીં. હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ બે દિવસ પછી 17 નવેંબરે નિવૃત્ત થાય છે. એ પહેલાં તેમણે કેટલાક અતિ મહત્ત્વના ચુકાદા આપવાની જવાબદારી સંભાળવાની હતી.