અમદાવાદ
All India D.Y.O.ગુજરાત રાજ્ય કમિટીના સેક્રેટરી જ્યેશ પટેલે અખબારી યાદીમાં જણાવ્યું છે કે તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જે ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે સૌથી ધૃણાસ્પદ મજાક સમાન ઘટના છે.અત્યાર સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ આવું કોઈ પેપર લીક થયું છે તેવી કોઈ ફરિયાદ મળી નથી તેવું રટણ ચાલુ રાખીને આટલા મોટા પેપર લીક કૌભાંડનો સ્વીકાર કરવા જ તૈયાર નહોતા. છેવટે ગઈકાલે જ રાજ્યના ગૃહમંત્રીએ ખુદ આ વાતનો સ્વીકાર કરવો પડ્યો છે.
પરીક્ષા આયોજનથી પરીક્ષાના પરીણામ સુધીની તમામ ગોપનિયતા જાળવી રાખવાની જવાબદારી અધ્યક્ષની હોય છે. તેથી આ પેપર લીક કૌભાંડના મુખ્ય દોષિત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા જ છે.
ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઈઝેશન (All India D.Y.O.) માંગણી કરે છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા આ પેપર લીક કૌભાંડની જવાબદારી સ્વીકારે અને તાત્કાલિક ધોરણે તેમના પદ પરથી રાજીનામું આપે.
AIDYO એ માંગણી કરી છે કે આ પેપર લીક કૌભાંડના મુખ્ય આરોપી તરીકે અસિત વોરાને ગણવામાં આવે અને તાત્કાલિક ધોરણે તેમનું રાજીનામું લેવામાં આવે , આ કૌભાંડની તટસ્થ રીતે સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને તમામ દોષિતોને કડકમાં કડક દાખલારૂપ સજા કરવામાં આવે ,પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોની માફી માંગવામાં આવે અને તેમની પાસેથી બીજી કોઈપણ પ્રકારની ફી લીધા વગર ફરીથી જેમ બને તેમ જલદી પરીક્ષા લેવામાં આવે.