ગાંધીનગર
ગાંધીનગરમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અન્વયે આયોજિત હોલિસ્ટીક હેલ્થકેર: ફોક્સ ઓન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડીકલ ડિવાઇસીસ સમિટનુ ઉદ્દઘાટન થયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ ફાર્માસ્યુટીકલ ઉત્પાદકોને આહવાન કરતાં કહ્યું કે, દેશના જવાનો જેમ સીમાની સુરક્ષા કરે છે એ રીતે આપ સૌ નાગરિકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓનું ઉત્પાદન કરીને ઉત્તમ સેવાનું માધ્યમ બનાવીને જન સેવાનું અપ્રતિમ કાર્ય કરશો એવો મને દૃઢ વિશ્વાસ છે.આજે ગુજરાત સરકાર દ્વારા આયોજીત હોલિસ્ટેક હેલ્થ કેર : હેલ્થ ઓન ફાર્માસ્યુટીકલ એન્ડ મેડીકલ ડિવાઈસીસ-પી ઇવેન્ટ સમિટના આયોજનને અભિનંદન આપતાં મંત્રી માંડવિયાએ કહ્યું કે, ગુજરાતને રોલ મોડલ પ્રસ્થાપિત કરવાના આશયથી તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નોલેજ શેરીંગના માધ્યમ દ્વારા શરૂ કરાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી સમયમાં દશમી શૃંખલા યોજાનાર છે એ માટે આ પ્રિઇવેન્ટ સમિટ મહત્વની પુરવાર થશે.તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ક્ષેત્રોના વિકાસ માટે એક હોલીસ્ટીક એપ્રોચ અપનાવ્યો છે એટલે જ આરોગ્ય અને ફાર્માસ્યુટીકલ ક્ષેત્રને સાંકળીને એક જ મંત્રીશ્રી પાસે હવાલો રાખ્યો છે. જેના પરિણામે નિર્ણયશક્તિ અને વિકાસની કામગીરીમાં એકસૂત્રતા તથા ઝડપ વધી છે. ભારતમાં સુદૃઢ માળખાગત સવલતો તો છે જ એની સાથે વિશ્વના દેશોને ભારતમાં વિશ્વાસ પણ છે એટલે જ ભવિષ્યમાં ફાર્મા ક્ષેત્રે ગુજરાત અને દેશ રિસર્ચ- પ્રોડકશનમાં આગળ વધશે. તેમણે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વિશ્વના રોકારણકારોને ભાગીદારીમાં રોકાણ કરી મેન્યુફેકચરીંગ વધારીને એક્ષ્પોર્ટ કરવા પણ અપીલ કરી હતી.માંડવિયાએ ઉમેર્યું કે, આરોગ્ય ક્ષેત્રને પણ વિકાસ સાથે જોડીને સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રધાનમંત્રીએ જે અભિગમ હાથ ધર્યો છે તેના સુભગ પરિણામો સાંપડયા છે. કેન્દ્ર સરકારદ્વારા ગરીબ પરિવારોને ગંભીર બિમારીઓમાં વિનામૂલ્યે સારવાર પૂરી પાડવા આયુષ્યમાન ભારત યોજના કાર્યાન્વિત કરી છે. જેના લીધે અમીર પરિવારો જે હોસ્પિટલોમાં સારવાર મેળવે છે ત્યાં જ ગરીબ પરિવારોને વિનામૂલ્યે સારવાર મળે છે. દેશના ૧૦ કરોડ પરિવારો આનો લાભ મેળવી રહ્યા છે. દેશભરમાં ૯૦ લાખ જેટલા હેલ્થ એન્ડ વેલનેમ સેન્ટરો કાર્યરત કર્યા છે અને આગામી બે વર્ષમાં ૧.૫૦ લાખ સેન્ટરોનું નિર્માણ કરવાનો અમારો નિર્ધાર છે. સાથે સાથે તબીબોની ઉપલબ્ધિ થાય એ માટે એમ.બી.બી.એસ.ની ૮૦ હજાર બેઠકો ઉપલબ્ધ છે અને આગામી સમયમાં ૧ લાખ જેટલી બેઠકો ઉપલબ્ધ કરાવાશે. તેમણે કહ્યું કે, નેશનલ હેલ્થમિશન અંતર્ગત દરેક રાજ્યમાં એક એઇમ્સ હોસ્પિટલ નિર્માણનું આયોજન છે. હાલ રર જેટલી એઇમ્સ દેશભરમાં કાર્યરત કરી દેવાઇ છે.
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ કહ્યું કે, નાગરિકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓ મળી રહે એ માટે ૮,૫૦૦ જેટલા જન ઔષધિ કેન્દ્રો કાર્યરત કરી દેવાયા છે. ભારતમાં બનતી જેનરીક દવાઓ પૈકીની ૪૦ ટકા દવાઓ અમેરિકામાં વપરાય છે. જેનરીક દવાઓનો ફાળો આજે દેશભરમાં ૮ ટકાથી વધુ છે. દેશમાં ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે આગળ વધવા અને ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારે પારદર્શી નીતિ સાથે મંજૂરીઓ માટે વધુ સરળીકરણની નીતિ અપનાવી છે. દેશમાં ૧૦ હજારથી વધુ એમ.એસ.એમ.ઇ. એકમો દ્વારા દવાઓનું ઉત્પાદન થઇ રહ્યું છે.માંડવિયાએ ઉમેર્યું કે, આત્મનિર્ભર ભારત માટે આપણી જરૂરિયાતો પુરી કરીને દેશ અને દુનિયાની જરૂરીયાતો પૂર્ણ કરવા સૌએ પ્રયાસ કર્યો છે તે અભિનંદનને પાત્ર છે. કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી સમયે વેક્સીનની શોધ કરી ટૂંકા ગાળામાં વેકસીન ઉપલબ્ધ બનાવીને ૧૫૦થી વધુ દેશોને આપણે રસી પૂરી પાડીને મદદ કરી છે. ભારતમાં મેનપાવર, બ્રેઇનપાવર તો છે જે એને ચેનલાઇઝ કરવાનું કામ દેશના પ્રધાનમંત્રીશ્રીએ કર્યું અને કોવિડ સામે વિશ્વને સુરક્ષિત કરવામાં ભારતે યોગદાન આપ્યું એ આપણા માટે ગૌરવરૂપ છે.તેમણે કહ્યું કે, ફાર્મા ઉત્પાદકોએ રીસર્ચ કરી ભારતની પેટન્ટ ઉભી કરી દુનિયાને પહોંચાડી છે એ માટે કેન્દ્ર સરકાર રીસર્ચ પોલીસીની દિશામાં કામ કરી રહી છે ત્યારે આવનાર સમયમાં ભારત આ ક્ષેત્રે પણ વિશ્વને રાહ ચીંધશે. આત્મનિર્ભર ભારત માટે રોકાણકારો માટે ભારત બેસ્ટ ડેસ્ટીનેશન બન્યું છે. કોવિડ બાદ રોકાણ માટે ભારતની પ્રથમ પસંદગી લોકો કરી રહ્યા છે. ભારત મોટી લોકશાહી સાથે મજબૂત નેતૃત્વ અને મજબૂત જસ્ટીસનું માળખું છે. જેના લીધે હિન્દુસ્તાન પર લોકોનો વિશ્વાસ વધ્યો છે એ તાકાતનો આપણે ઉપયોગ કરી ઉત્તમ સેવા કરવાના અવસરને આપણે ઉચ્ચત્તમ રીતે નિભાવવાનો છે, તેમ તેમણે ઉમેર્યું છે.
આ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત દેશના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોનું સેન્ટર પોઇન્ટ હોવાનો સ્પષ્ટ મત વ્યકત કરીને કહ્યું હતું કે દેશના કુલ વિસ્તારનો ૬ ટકા ભૂ-ભાગ ધરાવતું ગુજરાત ભારતના ફાર્માસ્યુટિકલ પ્રોડક્શનમાં ૧/૩ એટલે કે ૩૩ ટકા જેટલું યોગદાન આપીને અગ્રેસર બન્યું છે.
આ સમિટમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી શ્રીમતી નિમીષાબહેન સુથાર તેમજ ફાર્માસ્યુટિકલ વિભાગના કેન્દ્રીય સચિવ સુશ્રી એસ. અર્પણા, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા ડૉ. સોમાણી, યુ.એસ.એફ.ડી.એ.ના સુશ્રી મેકમૂલેન સહિત વરિષ્ઠ સચિવો અને અગ્રણી ફાર્મા-મેડીકલ ડિવાઇસીસ ઉદ્યોગકારો જોડાયા હતા.