અમદાવાદ
આવકવેરા વિભાગે રાજસ્થાનના બે બિઝનેસ જૂથ પર દરોડા પાડી રૂ.૩૦૦ કરોડનું કાળું નાણું પકડ્યું છે. બંને જૂથ ઇલેક્ટ્રિકલ ગૂડ્ઝ બિઝનેસ અને મની લોન્ડરિંગ સાથે સંકળાયેલા હોવાની માહિતી CBDTએ આપી હતી. આઇટી વિભાગ દ્વારા ૨૨ ડિસેમ્બરે જયપુર, મુંબઇ અને હરિદ્વાર ખાતે બે બિઝનેસ જૂથના લગભગ ૫૦ સંકુલ પર દરોડા પાડ્યા હતા.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ જણાવ્યું હતું કે, ‘જપ્ત કરાયેલા પુરાવાનું પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે, સ્વિચ, વાયર, એલઇડી સહિતની ચીજોના ઉત્પાદનમાં સક્રિય ઘણી કંપનીઓ આવા સામાનનું વેચાણ કરે છે અને હિસાબમાં તેની નોંધ કરતી નથી. તે કરપાત્ર આવકમાં ઘટાડો કરવા બોગસ ખર્ચનો ક્લેમ કરે છે. તપાસમાં રૂ.૧૫૦ કરોડથી વધુની બિનહિસાબી આવકના પુરાવા મળ્યા છે.’ વિભાગે દાવો કર્યો હતો કે, જૂથની ‘મહત્વની વ્યક્તિ’એ રૂ.૫૫ કરોડની આવક છુપાવી હોવાનું અને તેની પર ટેક્સ ચૂકવી દેવાનું કબૂલ્યું છે. અન્ય જૂથના જપ્ત કરાયેલા દસ્તાવેજ દર્શાવે છે કે, મોટા ભાગની લોન રોકડમાં અપાય છે અને આ લોન પર ઘણા ઊંચા દરે વ્યાજ લેવાય છે. CBDTએ જણાવ્યું હતું કે, ‘આ બિઝનેસ સાથે સંકળાયેલી વ્યક્તિઓના રિટર્નમાં આપવામાં આવેલી લોન અને તેના પરના વ્યાજની આવક દર્શાવાઈ નથી. આ જૂથમાં રૂ.૧૫૦ કરોડથી વધુની બિનહિસાબી આવક સાથે સંકળાયેલા પુરાવા જપ્ત કરાયા છે. આવકવેરા વિભાગે બે જૂથ પાસેથી રૂ.૧૭ કરોડની રોકડ અને ઘરેણાં પણ જપ્ત કર્યા છે.
મહારાષ્ટ્રમાં દરોડા, કરોડોની કરચોરી પકડાઈ
આવકવેરા વિભાગે મહારાષ્ટ્ર સ્થિત બે જૂથ પરના દરોડામાંથી કરોડો રૂપિયાની કરચોરી પકડી છે. CBDTના જણાવ્યા અનુસાર બાંધકામ અને જમીનના ડેવલપમેન્ટના બિઝનેસમાં સક્રિય બે જૂથ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ૨૨ ડિસેમ્બરે નંદુરબાર, ધુલે અને નાશિક જિલ્લામાં જુદાજુદા જૂથના ૨૫ સંકુલ પર દરોડા પાડવામાં આવ્યા હતા.