અમદાવાદ
કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાજયની ભાજપ સરકાર એકબાદ એક સરકારી ઉત્સવો યોજી કોરોનાના કેસ વધારવાનું કામ કરી રહી છે ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના ત્રીજા વેવની શરૂઆત થઈ ચુકી છે. મેટ્રો શહેરોમાં તો કોરોના કેસમાં રોજના 80% કરતા વધુનો વધારો થાય છે. ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં 548 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. રિકવરીની સામે નવા કેસો નોંધાવાનો દર તિવ્ર ગતિએ વધી રહ્યો છે. આજ રીતે કોરોનાના કેસ વધતા રહેશે તો દેશ કોરોનાના આ ત્રીજા વેવમાં પણ ગંભીર પરિસ્થિતીમાં ફસાય તેવી પુરી શક્યતા છે. અમેરિકામાં દૈનિક ચાર લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. માત્ર ગુજરાત જેટલી વસ્તી ધરાવતા ઇંગ્લેન્ડમાં રોજના એક લાખથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આ કોરોનાનો સામનો કરવાની સલાહો તો દેશના વડાપ્રધાનથી લઈને રાજ્યના આરોગ્યમંત્રી સુધી બધા આપે છે. પરંતુ કોરોનાને અટકાવવાની કોઈ કાર્યવાહી ગુજરાતમાં થતી નજરે પડતી નથી.
ગુજરાતમાં તો છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં 480 ટકા જેટલો વધારો થયો છે, ત્યારે તેને અટકાવવા આખુ તંત્ર કામે લાગી જવુ જોઈએ, પરંતુ તેની જગ્યાએ રાજ્યની ભાજપ સરકાર કોરોનાના કેસ વધારવાનું કામ કરી રહી છે અને સરકાર માત્ર નાઈટ કર્ફ્યુ લાદીને પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. રાત્રે કર્ફ્યુ લદાય છે, પરંતુ દિવસે મોટાપાયે મેળાવડા થઈ રહ્યા છે. અત્યારે નદી ઉત્સવ ચાલી રહ્યો છે, સુશાસન સપ્તાહ ઉજવી રહ્યા છે ગામડાઓના સ્થાપના દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં ફ્લાવર શો અને પતંગ ઉત્સવને મંજુરી આપવામાં આવી છે અને વાયબ્રન્ટ સમિટમાં મોટાપાયે વિદેશી મહેમાનો બોલાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ઉત્સવો ઓનલાઈન કે આગામી વર્ષે પણ યોજી શકાય. અત્યારે સૌથી પહેલા રાજ્યના લોકોની સલામતી સરકારની પ્રાથમિક્તા હોવી જોઈએ. પરંતુ વાયબ્રન્ટ સમિટ યોજીને કોરોનાના ત્રીજા વેવને વિકરાળ બનાવવાનું કામ કરી રહી છે. મોઢવાડિયાએ રાજ્યની ભાજપ સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે આ ઉત્સવો બંધ કરો,
વેક્સિનેશનમાં પણ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર અસરકારક કામગીરી કરી શકી નથી. વેક્સિનેશન શરુ થયેલ 9 મહિનાથી વધુ સમય થઈ ગયો. પરંતુ હજી સુધી પુરી જનતાને વેક્સિનના બન્ને ડોઝ આપી શકાયા નથી. દેશની 18 વર્ષથી ઉપરની 94 કરોડ જનતામાંથી હજી 24 કરોડથી વધુ લોકોને કોરોનાનો બીજો ડોઝ આપી શક્યા નથી. 10 કરોડ લોકો તો એવા છે કે તેમને હજી વેક્સિનનો એકપણ ડોઝ અપાયો નથી. એટલે વિક્સિનેશન કાર્યક્રમને વધુ ઝડપી બનાવવા તરફ ધ્યાન આપાવાની જરુર છે. જાહેરાતો અપાઈ છતાં હજી સુધી વેક્સિનેશન પુર્ણ થઈ શક્યુ નથી. યુરોપ અને અમેરિકામાં અત્યારે બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ ચુકી છે. પરંતુ આપણે હજી વેક્સિનેશન પૂર્ણ કરી શક્યા નથી અને ઉત્સવો યોજીને કોરોના કેસ વધારી રહ્યા છીએ. આ બધુ બંધ થવુ જોઈએ.