સરકારી તંત્ર દ્વારા શહેરી વિસ્તારને નો કેટલ ઝોન જાહેર કરવામાં આવતા પોતાની રોજીરોટી છીનવાઈ જવાનો ડર પશુપાલકોમાં પ્રસરી જવા પામ્યો છે. પરિણામે શનિવારે ગાંધીનગર ખાતે પશુપાલકો ઉમટી પડયા હતા. જાે કે, પરમીશન વગર છાવણી પહોંચી ગયેલા પશુપાલકોને પોલીસ દ્વારા ડીટેઈન કરી લેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં પશુઓ નહી રાખવાનાં જાહેરનામાની સામે પોતાને વૈકલ્પિક જગ્યા ફાળવવા રજુઆત કરવામાં આવી હતી. એટલુ જ નહિ, એનીમલ હોસ્ટેલ માટે પણ વખતોવખત જાહેરાત કરવા છતાં તેનો અમલ થતો નહી હોવાનો આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. શનિવારે ગાંધીનગર છાવણી ખાતે પહોંચેલા રઘુભાઈ રબારી, દિનેશભાઇ દેસાઈ, વિરમભાઈ દેસાઈ, મયુરભાઈ દેસાઈ સહિતનાં અગ્રણીઓએ ગોવાળો ઉપર, ગાય માટે થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા પણ રજુઆત કરી હતી.