ગુજરાતની જનતાને કોઈ હાલાકી કે મુશ્કેલી ન ભોગવવી પડે તે માટે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં ‘કન્ટ્રોલ રૂમ’ શરૂ કરશે
અમદાવાદ
ગુજરાતમાં કોરોનાના નવા વેરીયન્ટ ઓમીક્રોન અને ત્રીજી લહેરનું આગમન થયું છે. કોરોના કાળમાં ભાજપ સરકારે કરેલી નિષ્ફળ કામગીરી, આરોગ્ય તંત્રની અસુવિધા અને મૃતકોના સાચા આંકડા શ્વેતપત્ર રૂપે જાહેર કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોરોનાના વધતા જતા કેસો, ત્રીજી લહેરના ડર વચ્ચે ગુજરાતના હિતમાં વારંવાર ‘વાયબ્રન્ટ’ બંધ રાખવાની કોંગ્રેસ પક્ષની માંગને આખરે ભાજપ સરકારે સ્વિકારવી પડી છે. ભાજપ સરકારના અણઘડ વહિવટને પગલે કોરોના પહેલી અને બીજી લહેરમાં ઓક્સીજન, બેડ, રેમડેસિવિર ઈન્જેક્શન, દવાઓ સહિતની આરોગ્ય સુવિધાઓના સદંતર અભાવથી ગુજરાતની સૌ જનતાએ પારાવાર મુશ્કેલીઓ ભોગવી છે. મહામારી કોરોના કાળમાં ભાજપ સરકારે કરેલી નિષ્ફળ કામગીરી, આરોગ્ય તંત્રની અસુવિધા અને મૃતકોના સાચા આંકડા શ્વેતપત્ર રૂપે જાહેર કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
કોરોનાની ત્રીજી લહેરને પગલે રાજ્યમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમીત થઈ રહ્યાં છે. કોરીનાને લઈને સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટની વારંવાર ફટકાર બાદ પણ ભાજપ સરકારે ગુજરાતના નાગરિકોને યોગ્ય અને પુરતી આરોગ્ય સુવિધા પુરી પાડવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે ત્યારે ત્રીજી લહેરમાં ભાજપ સરકારના અણઘડ વહિવટ અને અવ્યવસ્થાને કારણે ગુજરાતની જનતાને કોઈ હાલાકી કે મુશ્કેલી ન ભોગવવી પડે તે માટે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં ‘કન્ટ્રોલ રૂમ’ શરૂ કરશે. કોવિડ હોસ્પિટલ, ઓક્સિજન સપ્લાય સેન્ટર, ટેસ્ટીંગ સેન્ટર સહિતની આરોગ્ય વ્યવસ્થા અંગે કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ દ્વારા જાત મુલાકાત લેવામાં આવશે અને ગુજરાતના નાગરિકોને સુદ્રઢ આરોગ્ય વ્યવસ્થા મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા વૈશ્વિક મહામારી કોરોનાને ખુબ ગંભીરતાથી લેવામાં આવી છે. ગુજરાતના છ કરોડ નાગરિકોના હિતમાં કોંગ્રેસ પક્ષ તમામ જાહેર કાર્યક્રમો કોરોના ગાઈડ લાઈન સાથે આગળ વધશે અને ભીડવાળા કાર્યક્રમોથી દુર રહેશે