અમદાવાદ
હાલમાં અમદાવાદ શહેરમાં કોરોના મહામારીનું સંક્રમણ વધી રહેલ છે. આ રોગથી સંક્રમિત થયેલ અને હળવા લક્ષણો ધરાવતાં મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહેલા છે. આવા દર્દીઓની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત “સંજીવની કોરોના ઘર સેવા” ટીમ સમયાંતરે મુલાકાત લઇ તેઓની તબિયતનું ચેકીંગ કરે છે, જરૂરી વાઇટલ ચકાસે છે અને જરૂરિયાત મુજબ દવાઓ પૂરી પાડવામાં આવે છે અને જરૂર જણાય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા બાબતે સલાહ પણ આપવામાં આવે છે.
આમ છતાં જો કોઇ દર્દીને તબીબી સેવાના માર્ગદર્શન બાબતે જરૂરિયાત ઉભી થાય તો તે સારુ આરોગ્યમંત્રી તથા પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ મીટીંગમાં તેઓની સૂચના અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “ સંજીવની ટેલી મેડીસીન” સેવા શરૂ કરવામાં આવેલ છે જેનો ટેલીફોન નંબર ૧૪૪૯૯ છે જેના ઉપર સંપર્ક કરવાથી જે તે દર્દીને કોરોનાની સારવાર બાબતે હેલ્પ સેન્ટરમાં કાર્યરત ડોકટરોની ટીમ દ્વારા જરૂરી પૂછપરછ કરી વિગતો મેળવવામાં આવશે અને તબીબી સલાહ અને માર્ગદર્શન ટેલીફોન પર આપવામાં આવશે.
આ સેવા કોરોના પોઝીટીવ આવેલ અને હોમ આઇશોલેશનમાં રહેલ દર્દીઓ માટે છે. જે સેવા ચાલુ થઈ ગઈ છે અને ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે.
અમદાવાદ શહેરના નાગરિકો કે જેઓ કોરોના પોઝીટીવ છે અને તબીબી સલાહ – માર્ગદર્શનની જરૂરિયાત છે તેઓ આ હેલ્પલાઇન પર ફોન કરી ડોકટરનું ટેલી કન્સલટેશન મેળવી શકશે.