રાજ્યના ગૃહખાતામાં વર્ષ-૨૦૦૬માં ફિક્સ પગારથી ભરતી થયેલા લોકરક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા નાણાં મંત્રાલય દ્વારા અસ્વીકાર કરાતા હજારો પોલીસ કર્મચારીઓમાં નારાજગી સાથે રોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે તા.૧૮ જાન્યુઆરી ૨૦૧૭ના પત્રથી ફિક્સ પગારના કર્મચારીઓને પગાર વધારો તથા ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષની નોકરીને સળંગ ગણી ઉચ્ચતર તથા બઢતી માટે ધ્યાને લેવાનો હૂકમ કર્યો હતો.
રાજ્યમાં ફિક્સ પગારની પહેલી ૩ હજાર પોલીસ જવાનોની ભરતી કરવા વર્ષ-૨૦૦૪માં જાહેરાત બહાર પાડવામાં આવી હતી. વર્ષ-૨૦૦૬માં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થતા તમામ ૩ હજાર પોલીસ જવાનોને હાજર કરવામાં આવ્યા હતાં. ભરતી થયેલા તમામ ત્રણ હજાર પોલીસ જવાનોને વર્ષ-૨૦૧૮માં ૧૨ વર્ષ પૂર્ણ થતા નાયબ મુખ્યમંત્રીની જાહેરાત મુજબ આ પોલીસ જવાનો ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા હક્કદાર હોવા છતાં હજી સુધી લાભ આપવામાં આવ્યો નથી.
તાજેતરમાં પોલીસ કર્મચારીઓએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, ફિક્સ પગારની પહેલી ભરતીનાં તમામ ત્રણ હજાર પોલીસ જવાનોને ઉચ્ચતર પગારધોરણ મળવાપાત્ર નથી તેમ જણાવી ઉચ્ચતર પગાર ધોરણ આપવાનું નકારી કાઢ્યુ હોવાથી પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણી ઉચ્ચતર પગારનો લાભ આપવા કાર્યવાહી કરો એવી મહેરબાની છે.