થોળ પક્ષી અભયારણ્ય તેની પક્ષી વિવિધતા માટે જાણીતું છે અને તાજેતરમાં જ તેને રામસર સાઇટ તરીકે વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. આ અભયારણ્યમાં ઉત્તરીય ગોળાર્ધથી હજારો યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે જેમાં કુંજ અને કરકરાનો પણ સમાવેશ થાય છે.
વન વિભાગની મંજૂરીથી અને નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્યના અધિકારી કર્મચારીઓના સહયોગથી આજરોજ, વિશ્વ જલપ્લાવિત દિવસે, કોમન ક્રેન એટલે કે કુંજ પ્રજાતિના એક પક્ષીને રિસર્ચ માટે પકડીને તેને વીજાણુ યંત્રથી સજ્જ કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિ ભારત સરકારના પર્યાવરણ, વન અને મોસમ પરિવર્તન મંત્રાલયના સ્વાયત્ત સંસ્થાન વાઈલ્ડલાઈફ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સુરેશ કુમારના માર્ગદર્શન હેઠળ તેમની ટિમ દ્વારા કરવામાં આવી. કુંજને આજે સવારે નવ વાગ્યે પકડવામાં આવ્યું અને ગણતરીની મિનિટોમાં જ ગોઠણથી ઉપરના ભાગે GPS GSM ઉપકરણ ફિટ કરીને છોડી મૂકવામાં આવ્યું. ઉપકરણ ઉપરાંત કુંજના પગમાં પીળા રંગની રિંગ પણ પહેરાવવામાં આવી જેથી દૂરથી પણ તેની ઓળખ શક્ય બને. અહીં ઉપયોગમાં લેવાયેલ ઉપકરણ સૂર્ય-ઉર્જા વડે ચાલે છે અને અતિઆધુનિક GPS ટેકનૉલોજિથી સજ્જ છે જે દર 10 મિનિટે કુંજનું સ્થાન નોંધે છે ને ઇચ્છિત સમયે એ જાણકારી મોબાઈલ ટાવરના મધ્યમથી સંશોધકો સુધી પહોચડે છે.
આ કુંજનું વજન 4.1 કિલોગ્રામ હતું જે સૂચવે છે કે તે માદા કુંજ છે અને તેનું નામ અભયારણ્યના નામ પરથી “થોળ” રાખવામા આવ્યું. ઉપકરણ લગાવીને છોડયા પછી આ કુંજ થોળની આસપાસના ખેતરોમાં ખોરાક શોધવા માટે ગયું અને સાંજે સાડા ત્રણ વાગ્યે અભયારણ્યમાં રાતવાસો કરવા માટે પાછું ફર્યું. આ પ્રવૃત્તિનો હેતુ કુંજની સમગ્ર ગતિવિધિ ને મોનીટર કરવાનો હતો જેથી એમના થોળ આસપાસના શિયાળુ આવાસ વિષે વિસ્તૃત માહિતી મળી શકે. આ ઉપરાંત કુંજના પ્રજનન સ્થળ સુધીનો લાંબા અંતરનો પ્રવાસ પણ આ પ્રવૃત્તિ દ્વારા જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં નળ સરોવર નજીક સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનાં વડલા ગામે કુંજને આવું જ ઉપકરણ પહેરાવવામાં આવેલું જેણે તેના પ્રજનન સ્થળ કજાકિસ્તાન સુધીનો પ્રવાસ માર્ચ-એપ્રિલ 2020 માં 4800 કિલોમીટર અંતર કાપીને પૂરો કરેલો અને ત્યાથી ફરી એ જ માર્ગે ગુજરાત પરત ફરેલું અને આ સમગ્ર પ્રવાસ વિષે વિસ્તૃત માહિતી આપેલી.
******