નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ 2024ના રોજ રજૂ કરેલા ફાઈનાશિયલ વર્ષ 2024-25ના બજેટમાં મિડિલ ક્લાસને મોટી રાહત આપવામાં આવી હતી. તે સમયે સરકાર તરફથી સ્ટેન્ડર્ડ ડિડેક્શનની લિમિટને 50000 રૂપિયાથી વધારીને 75000 રૂપિયા કરી દેવામાં આવી હતી. સરકારે આ રાહત નવી ટેક્સ વ્યવસ્થામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનના રૂપમાં આપી હતી. જો કે, નોકરિયાત વર્ગ લાંબા સમયથી જૂની ટેક્સ વ્યવસ્થામાં રાહતની માંગ કરી રહ્યો છે. નાણાં મંત્રાલય તરફથી નાણાકીય વર્ષ 2025 માટે બજેટની તૈયારીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હાલમાં જ નાણામંત્રીએ તૈયારીઓને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. નાણાકીય વર્ષ 2025નું બજેટ આ વખતે 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલું આ આઠમું બજેટ હશે. આ બજેટમાં મધ્યમ વર્ગ માટે શું ખાસ હશે? આ અંગે નાણા મંત્રાલયમાં ચર્ચા ચાલી રહી છે. આ અંગે સુત્રોને ટાંકીને છપાયેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રજુ થનારા બજેટમાં સરકાર ફરી મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત આપી શકે છે. તમને જણાવી દઈએ કે મધ્યમ વર્ગમાં આવા પગારદાર વર્ગની સંખ્યા સૌથી વધુ છે, જેઓ ઈનકમ ટેક્સ ભરે છે.