કલોલ-છત્રાલ હાઈવે પર બુધવારે સાંજે મહેસાણની આંગડિયા પેઢીના કર્મચારીના કારે આંતરીને બે કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટારૂઓને પકડવા માટે પોલીસે ૧૦ ટીમો કામે લગાવી છે. જાણવા મળતી વિગતો અનુસાર લૂંટારુઓ ગુજરાતી ભાષામાં વાત કરતા હતા, તેમનો બોલવાનો જે લહેકો હતો એ લહેકાને ધ્યાનમાં લઇને પણ પોલીસ તપાસ કરી રહી છે. મહત્વની વાત એ છેકે કારમાં બે કરોડના પાર્સલ છે તેની જાણ માત્ર ત્રણ લોકોને જ હતી ત્યારે લૂંટરુઓને તેની કેવી રીતે ખબર પડી એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
મહેસાણાની આંગડિયા પેઢીનો કર્મચારી ઇકો કારમાં ૨.૦૯ કરોડ રૂપિયા લઇને અમદાવાદ આવી રહ્યો હતો. જે દરમિયાન કલોલના છત્રાલ પાસે તેની કારને આંતરીને કરોડોની લૂંટ આચરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે આંગડિયા પેઢીના કર્મચારી બે કરોડ લઇને અમદાવાદ આવી રહ્યાં છે તેની જાણ માત્ર ત્રણ લોકોને હતી જેમાં કારના ચાલક અને પેઢીના કર્મચારી દિલીપ પટેલ, મહેતાજી કનુભાઈ પ્રજાપતિ અને પેઢીના શેઠ હર્ષદ પટેલનો સમાવેશ થાય છે. ત્યારે લૂંટારુંઓને તેની જાણ કેવી રીતે થઇ તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.કલોલ – છત્રાલ હાઇવે રોડ પર મહેન્દ્ર સોમાભાઈ પટેલ નામની આંગડિયા પેઢીના ડ્રાઇવરની ઈકો કારને તું ગાડીને સાઈડ કેમ આપતો નથી તેવું કહીને આંતરીને ઘાતક હથિયારો સાથે સુમો કારમાં આવેલા પાંચ લુટારુઓ ૨ કરોડ ૯ લાખની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. જેથી કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લાના કલોલની શારદા સોસાયટીમાં રહેતો દિલીપ શાંતિલાલ પટેલ સાતેક માસથી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ (એમ એસ પેઢી) ની આંગડિયા પેઢીમાં આઠ હજારનાં માસિક પગારથી નોકરી કરે છે.