એક તરફ સરકાર સમાનતા અને તમામ સમાજને એક હરોળમાં રાખવાની અને તમામ સમાજોના વિકાસના કામ કરવાની વાતો કરે છે. પણ હજુ પણ ગુજરાતના ઘણા ગામડાંઓમાં નાતજાતના ભેદભાવના કિસ્સાઓ સામે આવે છે. આ કહેવાનું કારણ એ છે કે, ક્યારેક દલિત પરિવારના યુવકના લગ્નમાં કોઈ જગ્યા પર વરઘોડાનો પણ વિરોધ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં એક ગામમાં દલિત પરિવારના સ્વજનના મૃતદેહને આ નાતજાતના ભેદભાવના કારણે કલાકો સુધી રઝળવાનો વારો આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ઊંચ અને નીચના ભેદભાવના કારણે દલિત પરિવારના સ્વજનના મોતનો મલાજો ન સચવાતા દલિત સમાજના આગેવાનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.રિપોર્ટ અનુસાર, ઉત્તર ગુજરાતના દાંતીવાડા તાલુકામાં ધાનેરી નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં આજના સમયમાં પણ નાતજાતના ભેદભાવ લોકો પ્રત્યે કરવામાં આવી રહ્યા છે. એક તરફ સરકાર આ તમામ ભેદભાવ નાબૂદ કરવાના પ્રયાસ કરી રહી છે અને બીજી તરફ હજુ પણ કેટલાક ગામડાંઓમાં આ નાતજાતના ભેદભાવને લોકો સમર્થન આપી રહ્યા છે.ધાનેરી ગામમાં પરિવારની સાથે રહેતા તેજા બઢિયા નામના વૃદ્ધનું 88 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેજા બઢિયાનું નિધન થતા સંબંધીઓ દ્વારા તેજા બઢિયાના મૃતદેહને રવિવારના રોજ અંતિમ વિધિ માટે સ્મશાન પર લઇ જવામાં આવ્યો હતો. જ્યારે દલિત સમાજના લોકો તેજા બઢિયાના મૃતદેહને સ્મશાન પર લઇને પહોંચ્યા હતા તે સમયે ગામના પટેલ સમાજના કેટલાક લોકો સ્મશાન પર પહોંચ્યા હતા અને તેમણે દલિત સમાજના લોકોને આ સ્મશાનમાં અંતિમ સંસ્કાર નહીં કરવાનું જણાવ્યું હતું
દલિત પરિવારના સ્વજનના મૃતદેહને અંતિમ સંસ્કાર ન કરવા દેવામાં આવતા વૃદ્ધનો મૃતદેહ બે કલાક જેટલો સમય ટ્રેક્ટરમાં પડી રહ્યો હતો. આ વાતની જાણ દલિત સમાજના અગ્રણી દલપત ભાટિયાને થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસની હાજરીમાં તેજા બઢિયા નામના વૃદ્ધના મૃતદેહને અંતિમ સંસ્કાર સ્મશાનમાં કર્યા હતા. તેજા બઢિયાના મૃતદેહની સ્મશાનમાં દફન વિધિ કર્યા બાદ દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને તેમણે આ મામલે ન્યાયની માગણી કરી હતી. મહત્ત્વની વાત છે કે, સ્મશાનમાં પોલીસના બંદોબસ્ત વચ્ચે દલિત પરિવારના સ્વજનની દફનવિધિ કરવામાં આવી હતી.