અમદાવાદ
રાજ્યભરમાં 13મી ફેબ્રુઆરીએ યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.બિન સચિવાલયની પરીક્ષા મોકૂફ રેહવા અંગે કોંગ્રેસે ફરી ભાજપ સરકારને આડેહાથ લીધી, પરીક્ષા રદ્દ થવા પાછળનું કારણ કંઇક અલગ જ છે ! તેવું આજે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ પ્રમુખ પાટિલે મિટીંગમાં ભાષણ કર્યું હતું કે મારા પક્ષના કાર્યકર અને આગેવાનને સરકારી નોકરી આપજો… જો નોકરી ન હોય તો હોદ્દો આપજો… જગદીશ ઠાકોરે જણાવ્યું કે પરીક્ષા રદ્દ થવા પાછળનું કારણ કંઇક અલગ જ છે… જૂના લોકોનો વહીવટ થઇ ગયો ! પણ નવો વહીવટ ન થયો હોવાથી પરીક્ષા રદ્દ થઇ છે ! ગૌણ સેવા પંસદગી મંડળે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર પર ટ્વિટ કરીને સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પોતાના ઉમેદવારોના સેટિંગ ની વ્યવસ્થા ના થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી છે.! કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત નહીં રમવા દે, સરકારે ભરતી કરવી જ પડશે અને નિષ્પક્ષ રીતે કરવી પડશે.
પરીક્ષા મોકુફ રાખવાના નિર્ણયથી લાખો પરીક્ષાર્થીઓ નિરાશ થયા છે. ચર્ચા એવી છેકે, પ્રથમ વખત ધો.12 પાસને પરીક્ષામાં નહી બેસવા દેવાના મામલે પરીક્ષા રદ કરાઇ હતી. બીજી વાર પેપર ફુટવાને કારણે પરીક્ષા રદ કરવી પડી હતી. જયારે ત્રીજી વાર ચેરમેને રાજીનામુ આપતાં પરીક્ષા રદ કરાઇ છે. જોકે, પરીક્ષા કેમ રદ કરાઇ તે મુદ્દે કોઇ જવાબદારી લેવા તૈયાર નથી.બિન સચિવાલયની કલાર્કની 3901 જગ્યાઓ માટે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. ત્રણ વર્ષના લાંબા ઇન્તજાર બાદ પરીક્ષા યોજાવવાની હોઇ પરીક્ષાર્થીઓ રાતદિવસ વાંચન કરી મહેનત કરી રહ્યાં હતાં. પાટનગર ગાંધીનગર સહિત અન્ય શહેરોમાં કોચિંગ કલાસમાં જઇને તૈયારીઓ કરી રહ્યાં હતાં ત્યારે છેલ્લી ઘડીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરી હતી.