કલોલ નજીક છત્રાલ હાઈવે ઉપર આંગડિયા પેઢીના રૂ. ૨.૦૯ કરોડની કરવામાં આવેલી લૂંટનો ગાંધીનગર પોલીસ દ્વારા માત્ર એક સપ્તાહમાં જ પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે. પોલીસે ઝડપી લીધેલા પાંચ આરોપી દ્વારા જણાવાયેલી કેફિયત અનુસાર દેવુ વધી જવાને કારણે આ લૂંટનો કારસો રચવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ગાંધીનગરના કલોલ નજીક આવેલા છત્રાલ હાઈવે ઉપરથી પસાર થતાં આંગડીયા કર્મીને આંતરીને એક અઠવાડિયા પહેલા રૂ. ૨.૦૯ કરોડની લૂંટ કરવામાં આવી હતી. કલોલ – છત્રાલ રોડ ઉપર તા. ૨, ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે બનેલી આ ઘટનાને કારણે સનસનાટી મચી જવા પામી હતી. મહેન્દ્ર સોમાભાઈ પટેલ ની આંગડીયા પેઢીના કર્મચારીની ઇકો કારને આંતરીને, સુમો ગાડીમાં આવેલા પાંચ જેટલા ઈસમોએ રૂપિયા ૨.૦૯ કરોડની લૂંટ ચલાવી હતી.
આ ઘટનાને ગંભીરતાથી લઇને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા ૧૦ જેટલી ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને ગાંધીનગર પોલીસની સતત દોડધામ અને બાતમીદારો ની તથા પોલીસ ટીમની સક્રિય કામગીરીને કારણે પાંચ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી.