ગુજરાતમાં GJ-18 ખાતે મનપા ખાતે ભાજપની ૪૧ સીટો સાથે ઝળહળતો વિજય મેળવ્યો છે. ત્યારે GJ-18મોટાભાગે બગીચા, ગ્રીનેરી તરીકે ઓળખાય છે. પણ હવે બગીચાઓમાં રાજકીય રંગ લાગી રહ્યો છે. ત્યારે બગીચામાં અનેક નિયમો બનાવ્યા છે. આ નિયમોમાં બગીચામાં જમવાનું ટિફિન, ફોટોગ્રાફી થી લઈ અનેક વસ્તુઓની મનાઈ છે. ત્યારે GJ-18 મનપાના મેયર દ્વારા સેક્ટર-૪ ના બગીચા બગીચા રાજકીય મિટિંગ કરી જમણવાર કરી દેવામાં આવ્યો અને એક સામાન્ય નાગરિકને ટિફિન લઈને અંદર પ્રવેશવાની પણ મંજૂરી આપવામાં આવતી ન હોવાનો આક્ષેપ કોંગ્રેસના વિપક્ષના નેતા અંકિત બારોટે કરી કમિશ્નરને ફરિયાદ કરી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ હસ્તકના બગીચાઓમાં બાગાયત વિભાગના નિયમ મુજબ ખાનગી પ્રવૃતિ જેવી કે રમત ગમત, ખાનગી મિટિંગ, જમણવાર કે ફોટોગ્રાફિ પર પણ મનાઈ ફરમાવી દેવાઈ છે. પ્રજાના કરોડો રૂપિયાનાં ટેક્સનાં પૈસે બગીચાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ અહીં તૈનાત સિક્યુરિટી દ્વારા સામાન્ય નાગરિકોને જ નિયમો બતાવીને પ્રવેશ આપવામાં આવતો નથી.
આ અંગે આજે કોંગ્રેસનાં વિપક્ષ નેતા અંકિત બારોટે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વિપક્ષ નેતા બારોટના જણાવ્યું મુજબ શહેરમાં કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ બગીચાની કોર્પોરેશન તંત્ર દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે અને બાગાયત વિભાગ દ્વારા ઘણા નિયમો પણ બનાવવામાં આવ્યા છે.
ગાંધીનગરના પ્રથમ નાગરિક ગણાતા મેયર દ્વારા જ નિયમોનો ઉલાળિયો કરીને બગીચામાં પાર્ટીની મિટિંગ યોજવામાં આવી છે. સેકટર-૪માં મનપા સંચાલિત બગીચામાં મેયર દ્વારા ભાજપા સંગઠનની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેનાં માટે બેનરો લગાવી જમણવાર પણ બગીચામાં યોજવામાં આવ્યો હતો. જ્યારે સામાન્ય નાગરિકને ટિફિન સાથે બગીચામાં પ્રવેશ આપવામાં આવતો નથી.
મેયર સામે પણ કાર્યવાહી થવી જાેઈએ એવી માંગણી છે. કમિશનર દ્વારા નાગરિકોને નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે, પરંતુ મેયર ખુદ નિયમો તોડીને રાજકીય મિટિંગ યોજે યોગ્ય નથી. જેથી ભાજપા દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમ સંદર્ભે કોર્પોરેશન ભાડું વસુલ કરે અથવા સંચાલકોને દંડ ફટકારવામાં આવે. નહીં તો ગાંધીનગરની કોઈપણ પ્રજા બગીચામાં કોઈપણ કાર્યક્રમ કરશે અને તેમાં કોંગ્રેસ જે તે વ્યક્તિ સાથે ખડેપગે ઉભા રહીને પ્રસંગ પૂર્ણ કરાવવા માટે મનપા સામે ઊભા રહેતા અચકાશે નહીં.