GJ-18 મનપા દ્વારા સારા ઉદ્દેશ અને સ્વચ્છતા અભિયાનથી લઇને પ્રજાના કામોનું ત્વરીત નિરાકરણ આવે તો સંદર્ભે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૦૮૧૮૧૮ કાર્યરત કરેલ હતો. ત્યારે ફરીયાદોના ઢગ ખડકાઇ ગયા પણ નિરાકરણ માંડ ૨૦% આવ્યું છે. ત્યારે તંત્ર શું કામ કરે છે. તેનો આ નમૂનો છે. હમણાં કરોડો રૂપિયાની ખરીદેલી સ્માર્ટ ઘડીયાળ મજૂરોને પહેરાવીને કાગારોળ મચાવતું તંત્ર હવે શું કામ કરે છે, તે દેકાઇ આવે છે.
GJ-18 મનપા દ્વારા ટોલ ફ્રી નંબરની સુવિધા બે મહિના અગાઉ મેયર હિતેશ મકવાણાને હસ્તે શરૂ કરવામાં આવી હતી. મનપા વિસ્તારમાં છેલ્લા મહિનામાં ૧ હજાર ૧૫૫ પ્રકારની વિવિધ ફરિયાદો ટોલ ફ્રી નંબર પર કરવામાં આવી છે. જાેકે, આ ફરિયાદો પૈકી માત્ર ૨૮૧ ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. કોર્પોરેશન વિસ્તારમાં ડિસેમ્બર મહિના વિવિધ સમસ્યાને લગતી ૧૦૭૮ ફરિયાદ નાગરિકોએ ટોલ ફ્રી નંબર પર નોંધાવી હતી. જેમાંથી ૮૯૦ ફરિયાદો પેન્ડીંગ છે. જ્યારે ૨૫ ફરિયાદોનું કાર્ય પ્રગતિમાં છે. જ્યારે ૧૬૩ ફરિયાદોનું જ નિરાકરણ લાવી શકાયું છે.
એજ રીતે જાન્યુઆરી મહિનામાં ૪૭૭ ફરિયાદો મળી હતી. જેમાંથી ૩૫૭ ફરિયાદો પેન્ડિંગ પડી છે. જ્યારે ૨ ફરિયાદોનું કામ પ્રગતિમાં છે. એટલે માત્ર ૧૧૮ ફરિયાદોનો જ નિવેડો લાવી શકાયો છે. આમ છેલ્લાં બે મહિના કુલ ૧ હજાર ૧૫૫ ફરિયાદોની સામે ૨૮૧ ફરિયાદોનું કોર્પોરેશન વિભાગ દ્વારા સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે. જ્યારે કુલ ૨૭ ફરિયાદનું કામ પ્રગતિમાં ચાલી રહ્યું છે. જ્યારે સૌથી વધુ ૧૨૪૭ ફરીયાદો પેન્ડીંગ છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે ટોલ ફ્રી નંબર જાહેર કરાયો ત્યારે મનપા તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, આ સેવા શરૂ થવાના કારણે મહાનગરપાલિકાના રહીશોને કચેરી સુધી ફરિયાદ કરવા આવવું નહીં પડે. માત્ર આ ટોલ ફ્રી નંબર ઉપર પોતાની ફરિયાદ ખૂબ જ સરળતાથી નોધાવી શકશે. ઝડપી ફરિયાદનું નિવારણ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ કરનાર નાગરિકાના મોબાઇલ નંબર મેળવી તેમની ફરિયાદ મળ્યાની જાણ પણ મેસેજ દ્વારા કરવામાં આવશે, પરંતુ મોટાભાગના નાગરિકોને માત્ર મેસેજ કરીને કામ પ્રગતિમાં હોવાના જ આશ્વાસન આપવામાં આવી રહ્યા છે.
આ અંગે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત ટોલ ફ્રી સેવાના ડેપ્યુટી જનરલ મેનેજર ઈશાબેન પારેખે જણાવ્યું હતું કે, મોટાભાગે ગટર અને પાણીને લગતી વધુ ફરિયાદો મળતી હોય છે. જે ફરિયાદો અમે પાટનગર યોજના વિભાગને ફોરવર્ડ કરી દેવામાં આવે છે. અમુક કામ ટાઈમ માંગી લે એવા હોવાથી નાગરિકોની ફરિયાદનું ઝડપી નિરાકરણ આવતું નથી. ખાસ કરીને કચરા નિકાલની ફરિયાદોનું મનપા તંત્ર દ્વારા સત્વરે નિરાકરણ લાવી દેવામાં આવતું હોય છે. જાેકે, પાટનગર યોજના વિભાગ હસ્તકની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં સમય લાગી રહ્યો છે.
આ સમસ્યાના નિરાકરણ માટે અમે જે તે નાગરિકોની ફરિયાદનો યુઝર આઈડી અને ડોકેટ નંબર પાટનગર યોજના વિભાગને મોકલી આપવાની દિશામાં પ્લાન કરી રહ્યા છે. જેનાં પગલે થકી પાટનગર યોજના વિભાગ પણ નાગરિકોને સીધું જ અપડેટ આપી શકે.