એનસીપીના નેતા નવાબ મલિકે ચેતવણીના સૂરે કહ્યું હતું કે શરદ પવાર ઇશારો કરે તો મહારાષ્ટ્રમાં ભાજપનું નામ નિશાન નહીં રહે, ભાજપ ખતમ થઇ જશે. ભાજપે દગાબાજી કરીને સરકાર રચી હતી. સોમવારે રાત્રે મુંબઇની હૉટલ હયાતમાં શરદ પવારે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના મળીને 162 ધારાસભ્યોની શપથ પરેડ યોજી ત્યારબાદ નવાબ મલિક એક ટીવી ચેનલ સાથે બોલી રહ્યા હતા. નવાબે કહ્યું કે ભાજપે દગો કર્યો હતો. અમે હૉટલ હયાતમાં 162 સભ્યોની શપથ પરેડ યોજીને ભાજપના બહુમતીના દાવાની પોલ ખુલ્લી પાડી હતી. ભાજપ શરદ પવારને ઓળખવામાં થાપ ખાઇ ગયો. પવાર ઇશારો માત્ર કરે તો મહારાષ્ટ્રમાં ભાજપનું નામનિશાન મટી જશે. ભાજપ ખતમ થઇ જશે. કહ્યું કે આ ગોવા કે કર્ણાટક નથી, મહારાષ્ટ્ર છે એ હકીકત ભાજપે સમજી લેવાની જરૂર છે. અહીં દગાબાજોને સ્થાન નથી. ભાજપ જે 10005 સભ્યોનો દાવો કરે છે એમાંના ઘણા અગાઉ કોંગ્રેસ અને એનસીપીમાંથી ભાજપમાં ગયેલા છે. શરદ પવાર ઇશારો કરે તો એ તમામ સભ્યો પાછા ફરશે અને ભાજપ ખાલી જઇ જશે.