આઈએનએક્સ મીડિયા કેસમાં આરોપી પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 2 લાખના અંગત બોન્ડ અને અમુક શરતો સાથે ચિદમ્બમરના જામીન મંજૂર કર્યા છે. નોંધનીય છે કે, ચિદમ્બરમ 21 ઓગસ્ટથી જેલની અંદર હતા, હવે અંદાજે 100 દિવસ પછી તેમને રાહત મળી છે.
તિહાડ જેલમાં બંધ ચિદમ્બરમે અરજીમાં દિલ્હી હાઈકોર્ટના એ ચુકાદાને પડકાર આપ્યો હતો જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મની લોન્ડરિંગ મામલે તેમને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. ચિદમ્બરમ મનિ લોન્ડરિંગ મામલે જેલમાં બંધ છે. જ્યારે ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડના અંદાજે 2 મહિના પછી તેમને જામીન મળી ગયા હતા.
જસ્ટિસ આર ભાનુમતિની આગેવાની વાળી બેન્ચે આજે મની લોન્ડરિંગ કેસમાં ચુકાદો આપ્યો હતો. આ પહેલાં સુપ્રીમ કોર્ટે 28 નવેમ્બરે આ કેસમાં નિર્ણય સુરક્ષીત રાખવામાં આવ્યો હતો
હાઈકોર્ટમાં 15 નવેમ્બરે સુનાવણી દરમિયાન ઈડીએ દાવો કર્યો હતો કે, ચિદમ્બરમ જેલમાં હોવા છતા સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. બીજી બાજુ ચિદમ્બરમને કહ્યું હતું કે, તપાસ એજન્સી પાયા વિહોણા આરોપ લગાવીને તેમની કરિયર અને પ્રતિષ્ઠા બરબાદ કરી રહી છે. આ વિશે હાઈકોર્ટે કહ્યું હતું કે, અમને કોઈ શંકા નથી કે જામીન લેવો તેમનો અધિકાર છે. પરંતુ આ કેસમાં જામીન આપવામાં આવ્યા તો મોટા પાયે લોકોના હિતને નુકસાન થશે. કારણકે આરોપ ગંભીર છે.
આઈએનએક્સ મીડિયાને 305 કરોડનો ફાયદો અપાવવાના મામલે સીબીઆઈએ 10 વર્ષ પછી મે 2017માં ચિદમ્બરમ સામે કેસ દાખલ કર્યો હતો. ત્યારપછી ઈડીએ તેમની સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. ત્યારપછી સીબીઆઈએ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા કેસમાં તેમની 21 ઓગસ્ટે ધરપકડ કરી છે. આ મામલે તેમને અંદાજે 2 મહિના પછી સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ત્યારપછી 16 ઓક્ટોબરે ઈડીએ તેમની ધરપકડ કરી હતી.