ભારતે મંગળવારે રાત્રે પૃથ્વી ટુ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ મિસાઇલ એક સાથે એક હજાર કિલો શસ્ત્રો લઇ જઇ શકે છે. અગાઉ 20 નવેંબરે પણ રાત્રે આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ સંપૂર્ણપણે સ્વદેશી સામગ્રીથી તૈયાર કરાયું હતું. એ અણુશક્તિ સંચાલિત હથિયારોનો પણ ઉપયોગ કરી શકશે. ઓરિસાના ચાંદીપુર યુનાઇટેડ ટેસ્ટ રેંજ ખાતેથી આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંબંધિત સૂત્રોએ કહ્યું કે આ મિસાઇલ 350 કિલોમીટર દૂર રહેલા શત્રુને પણ ઠાર કરી શકે છે. ભારતીય લશ્કરના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે આ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. ભારતીય લશ્કર આ મિસાઇલ શી રીતે વાપરી શકે એની ચકાસણી કરવા માટે આ ટેસ્ટ યોજાયો હતો.