અમેરિકાના વિઝા અપાવવાના બહાને આણંદના યુવક સાથે યુએસએ રહેતા આધેડ શખ્સે 25 લાખની છેતરપિંડી આચરી છે. હાલમાં આણંદ શહેર પોલીસે ગુનો નોંધી ભારત આવેલા એનઆરઆઈની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જીટોડિયા રોડ સ્થિત મહાવીર પાર્ક સોસાયટીમાં રહેતાં રાધાકૃષ્ણન કડવાભાઈ પ્રજાપતિ ખાનગી ઈન્સ્યોરન્સ કંપનીમાં એજન્સી મેનેજર તરીકે ફરજ બજાવે છે. 2014માં તેઓ આણંદ-વિદ્યાનગર રોડ પરની એક ખાનગી કંપનીમાં એજન્સી મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે તેમની મુલાકાત ઓફિસમાં ગ્રાહક તરીકે આવતા મૂળ આંકલાવના જોષીકુવા સ્થિત છઠ્ઠાકૂવા ખાતે રહેતા અને યુએસએમાં વસવાટ કરતા રસિક ડાહ્યા પટેલ સાથે થઈ હતી. તેમણે યુવકને તેઓએ વિદેશ લઈ જવાની કામગીરી કરતા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે યુવકે રસ બતાવતા તેમણે તેને અમેરિકાના વિઝા અપાવવાનો ભરોસો અપાવ્યો હતો. ત્યારબાદ રસિક પટેલ યુએસએ જતા રહ્યા હતા. દરમિયાન યુવકને ફોન કરી વિઝા અપાવવાનું જણાવી 4 લાખની માંગણી કરી હતી. નાણાં તેમના ભત્રીજા મિહિર નાથા પટેલને આપવાનું જણાવતા તેમણે તે પૈસા તેમને આપ્યા હતા. થોડાં સમય બાદ રસિક પટેલ ફરી ભારત આવતા યુવકે તેમની સાથે મુલાકાત કરી હતી. ત્યારે પણ તેમની પાસેથી બીજા રૂપિયા માંગતા યુવકે અલગ-અલગ બેન્કના 14.80 લાખના 3 ચેક આપ્યા હતા.
જોકે, એ સમયે તેણે રૂપિયા 100ના સ્ટેમ્પ પેપર પર પૈસા આપ્યાનું બાંહેધરી પત્ર લખી આપ્યું હતું. દરમિયાન યુવકે પૂછ્યું કે, કામ કેટલું પત્યું અને ક્યારે વિઝા મળશે. શખ્સે ફરી 5 લાખ ફાઈનલ પેમેન્ટ આપો એ પછી વિઝાનું કામ પૂરૂ થશે. તેથી યુવકે બીજા 5 લાખ રોકડા આપ્યા હતા. જોકે, આ વાતને 4 વર્ષ વીતી જવા છતાં પણ યુવકને વિઝા મળ્યાં નથી. દરમિયાન આધેડ નવેમ્બરમાં ભારત આવતા તેણે ફરી તેમનો સંપર્ક સાધ્યો હતો. તેનો ફોન સતત બંધ આવતા યુવકે આંકલાવ ખાતે તેના ઘરે ગયો હતો. જ્યાં આધેડ પાસે વિદેશ જવાનું શક્ય ન બને એમ હોય તો પૈસા પરત આપી દેવાની માંગણી કરી હતી. જેમાં શખ્સે તેને 25મી નવેમ્બરે આસોદર ચોકડી પાસે મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં તેણે કેવા રૂપિયા અને કેવી વાત કહી પૈસા નહીં મળે તેમ કહી થાય તે કરી લેજે તેમ કહ્યું હતું. આમ, છેતરપિંડી થઈ હોવાનું લાગતા યુવકે આણંદ શહેર પોલીસ સ્ટેશને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.